અમરેલી શહેરમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે આગની ઘટનાઓમાં વધારો નોંધાયો છે. તાપમાન 40થી 42 ડિગ્રી સુધી પહોંચતા આગની ઘટનાઓ સતત વધી રહી છે.
કેરિયા રોડ પર આવેલી જેટકો ઓફિસની બાજુમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં અચાનક આગ લાગી હતી. ફાયર કંટ્રોલ રૂમને જાણ થતાં જ અમરેલી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ટીમે પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી.

સદનસીબે આગ લાગી ત્યારે ઝૂંપડામાં રહેતા પરિવારજનો બહાર હતા. સ્થાનિક લોકોએ સમયસૂચકતા વાપરીને ઘરવખરીનો સામાન બહાર કાઢી લીધો હતો, જેના કારણે મોટું નુકસાન થતું અટક્યું હતું. જો કે, ઝૂંપડું બળી જવાના કારણે મજૂર પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે રાજુલા તાલુકાના રામપરા ગામ નજીક ટોરેન્ટ વિસ્તારમાં પણ આગ લાગી હતી. આ વિસ્તારમાં સિંહોનો મોટા પ્રમાણમાં વસવાટ છે. ફાયર બ્રિગેડે સાંજ સુધીમાં આ આગને પણ કાબૂમાં લઈ લીધી હતી.