Gujarat

ગુજરાત કોંગ્રેસે ‘વોટ ચોર ગદ્દી છોડ’ અભિયાન શરૂ કર્યું

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (GPCC) દ્વારા ‘વોટ ચોર ગદ્દી છોડ’ નામનું એક મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતો અને મતદારોના અધિકારો પર થતા કથિત હુમલા વિરુદ્ધ છે. તે 3 થી 10 ઓક્ટોબર સુધી સમગ્ર ગુજરાતમાં સહી અને મિસ કોલ ઝુંબેશ દ્વારા ચલાવવામાં આવશે.

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી દર્શન નાયકે જણાવ્યું હતું કે, આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને વર્તમાન વહીવટી વ્યવસ્થામાં મતદારોના અધિકારોના અપમાન અને ચૂંટણી પ્રક્રિયામાં થતી અનિયમિતતાઓને કારણે લોકશાહીના મૂળભૂત માળખાને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે તે અંગે જાગૃત કરવાનો છે.

આ અભિયાનની ઔપચારિક શરૂઆત ઓલપાડ તાલુકાના સાંધીયર ગામથી કરવામાં આવી હતી. આ પ્રસંગે સ્થાનિક કોંગ્રેસ કાર્યકર્તાઓ, ગ્રામજનો અને મહિલાઓએ મોટી સંખ્યામાં હાજરી આપીને અભિયાનને સમર્થન આપ્યું હતું. સાંધીયર ગામના નાગરિકોએ GPCC દ્વારા જાહેર કરાયેલા નંબર પર મિસ કોલ કરીને આ ઝુંબેશને પ્રારંભિક ટેકો આપ્યો હતો.

દર્શન નાયકે વધુમાં જણાવ્યું હતું કે, સાંધીયર ગામથી શરૂ થયેલું આ અભિયાન ઓલપાડ તાલુકા અને જિલ્લા સુધી વિસ્તૃત કરવામાં આવશે. તેમણે ગ્રામીણ વિસ્તારોમાં મતદારોના અધિકારોનું રક્ષણ કરવા માટે આવા અભિયાનની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો.