Gujarat

ગુજરાતનો પ્રથમ થ્રી-લેયર ફ્લાયઓવર બ્રિજ

રાજકોટ શહેરના કાલાવડ રોડ પર કટારીયા ચોકડી ખાતે ગુજરાતનો પ્રથમ થ્રી-લેયર આઇકોનિક ફ્લાયઓવર બ્રિજ નિર્માણ પામી રહ્યો છે, જે શહેરની ટ્રાફિક સમસ્યાને હળવી કરવા સાથે વિકાસની નવી ઊંચાઈઓ સર કરશે. રૂ. 167.25 કરોડના ખર્ચે બની રહેલા આ બ્રિજની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જેમાં ડાયવર્ઝન રૂટનું 90%થી વધુ કામ પૂર્ણ થઈ ચૂક્યું છે.

આ પ્રોજેક્ટ લગભગ 1 લાખથી વધુ નાગરિકોને સરળ પરિવહનની સુવિધા આપશે, જેમાં રાહદારીઓ માટે ફૂટપાથ, BRTS બસ માટે ગ્રાઉન્ડ કોરિડોર, અને પાર્કિંગ, ગેમઝોન, હોકર્સ સ્ટેન્ડ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે.

આ 3-લેયર આઇકોનિક ફ્લાયઓવર બ્રિજ 45 મીટર પહોળા ટી.પી. કાલાવડ રોડ પર બનશે. જેમાં 25 મીટર પહોળો ફ્લાયઓવર (18 મીટર વાહનો માટે અને 7 મીટર રાહદારી પુલ), કાલાવડ રોડ પર 4 લેન 850 મીટર લાંબો ફ્લાયઓવર અને ફ્લાયઓવરની કુલ 850 મીટર લંબાઈમાં ફરજિયાત (મુખ્ય) સ્પેનઆઉટમાં વચ્ચેના ભાગમાં 160 મીટર લાંબો આઇકોનિક એક્સ્ટ્રા ડોઝ બ્રિજના ભાગનો સમાવેશ થાય છે.

અવિરત અને સલામત ટ્રાફિક અને રાહદારીઓની અવરજવરના આયોજન સાથે આ પ્રકારનો ગુજરાતમાં આ પ્રથમ વાહન કમ પેડેસ્ટ્રીયન ફ્લાયઓવર બ્રિજ બનવા જઈ રહ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત 744 મીટર લંબાઈ અને 23.10 મીટર પહોળાઈનો 3×3 લેનનો બ્રિજ બનવાનો છે.

આ બ્રિજ બનાવવા માટે અંદાજિત રૂ. 167.25 કરોડનો ખર્ચ થશે. બ્રિજ બનવાથી અંદાજિત 1 લાખથી વધારે નાગરિકો સરળતાથી પરિવહન કરી શકશે. ફ્લાયઓવર બ્રિજની બંને બાજુ 7.50 મીટરનો સર્વિસ રોડ, રીંગ રોડ-2 પર BRTS બસની અવરજવર માટે 7.5 મીટર ગ્રાઉન્ડ કોરીડોર, રાહદારીઓ માટે ફૂટપાથની વ્યવસ્થા, વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઈન, સર્વિસ રોડ અંડરપાસની શરૂઆતમાં, ફ્લાયઓવર અંડરસ્પેસની નીચે જંકશનની મધ્યમાં સોફ્ટ લેન્ડસ્કેપ, ફ્લાયઓવર અંડરસ્પેસ ડેવલપમેન્ટના વિવિધ મલ્ટિયુઝ વિકલ્પો પણ આ બ્રિજ સાથે તૈયાર થશે.

જેમાં પાર્કિંગ, બાળકો માટે ગેમઝોન, હોકર્સ સ્ટેન્ડ, બેઠક સહિતની વ્યવસ્થા પણ હશે. આ ફ્લાયઓવરની ઉપર 1.35 મીટર પહોળો લેન્ડસ્કેપ પ્લાન્ટેશન, સમગ્ર લંબાઈ માટે ફૂટપાથ તેમજ ફ્લાયઓવરની ટોચ પર 1.2 મીટર પહોળી ફૂટપાથ અને વાહનોની અવરજવર માટે બંને બાજુ વધારાનો પહોળો 2 લેન કેરેજ-વે 8.5 મીટરનો બનાવવામાં આવશે.