Gujarat

કાલાવડના જાલણસરમાં રોડ કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

કાલાવડ તાલુકાના જાલણસર ગામે ચાલી રહેલા આર.સી.સી. રોડના કામમાં ગંભીર અનિયમિતતાઓ સામે આવતા ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોના આક્ષેપ મુજબ, રોડના નિર્માણમાં ગુણવત્તાનો અભાવ છે, જેમાં સિમેન્ટનો ઉપયોગ અત્યંત ઓછો હોવાથી રોડની ટકાઉપણું સામે પ્રશ્નાર્થ સર્જાયો છે.

સ્થાનિક લોકોએ અનેકવાર તંત્રને રજૂઆત કરી હોવા છતાં કોઈ અસરકારક પગલાં લેવાયા નથી. નાયબ કાર્યપાલક ઇજનેર સહિતના જવાબદાર અધિકારીઓને ફરિયાદ કર્યા બાદ પણ કોન્ટ્રાક્ટર મનમાનીપૂર્વક કામ કરી રહ્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે કોન્ટ્રાક્ટર દાદાગીરીભર્યું વર્તન કરે છે અને ધમકી આપે છે કે “કામ તો આવું જ થશે, તમારાથી જે થાય એ કરી લો, અધિકારીઓ અમારા ખિસ્સામાં છે.”

ગ્રામજનોના આક્ષેપ મુજબ, કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓ વિકાસના નામે સરકારી ભંડોળનો દુરુપયોગ કરી રહ્યા છે. આ રોડ જાલણસરને કાલાવડ, સણોસરા, મોટી વાવડી અને જામવાડી જેવા ગામો સાથે જોડતો મહત્વપૂર્ણ માર્ગ છે. હાલ રોડ બંધ હોવાથી શાળાના વિદ્યાર્થીઓ, રોજિંદા મુસાફરો અને દર્દીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તાજેતરમાં જ એક દર્દીને હૃદયરોગનો હુમલો આવતા હોસ્પિટલ પહોંચાડવામાં વિલંબ થયો હતો.