Gujarat

નાના વરાછામાં વેપારીએ ફલેટ લેવાના ચક્કરમાં 8 લાખની રકમ ગુમાવવી પડી

શહેરના નાના વરાછામાં લેસ પટ્ટીના વેપારીએ ફલેટ લેવાના ચક્કરમાં 8.10 લાખની રકમ ગુમાવી છે. વેપારી અક્ષય ધામેલીયાએ આ અંગે લસકાણા પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે આશીષ ઘનશ્યામ લીંબાસીયા(રહે, વિક્ટોરીયા ટાઉનશીપ, પાસોદરા પાટિયા)ની સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે.

લેસપટ્ટીના વેપારીએ ફલેટ લેવા માટે કાકાને વાત કરી હતી. આથી કાકાએ સીલીકોન પ્લાઝામાં પાનનો ગલ્લો ચલાવતા વિશાલ ગોટીને વાત કરી હતી. આથી વિશાલે તેના મિત્ર આશીષને ફલેટ બાબતે વાત કરી હતી. વેપારીએ 17 લાખમાં ફલેટનો સોદો કર્યો હતો. બાના પેટે 51 હજારની રકમ આપી હતી.

પછી 28મી નવેમ્બર-23એ આશીષે ફલેટનો સાટાખત કરવા વેપારી અને તેની માતાને બહુમાળી નાનપુરા બોલાવ્યા હતા. જ્યા ફલેટનો સાટાખત વકીલની રૂબરૂ કરાવ્યો હતો. 27મી ડિસેમ્બર-23એ વિશાલના ગલ્લા પર કાકા અને અન્ય માણસોની હાજરીમાં વેપારીએ આશીષને 5.77 લાખની રકમ આપી હતી.

રૂપિયા લીધા પછી બીજાને ફ્લેટ વેચ્યો

આશીષના કહેવાથી ઘનશ્યામના ખાતામાં 1.72 લાખની રકમ ટ્રાન્સફર કરી હતી. 8.10 લાખની રકમ આપી દીધા પછી આશીષે બિલ્ડર પાસેથી એનઓસી અપાવવાની વાત કરી હતી. વેપારીએ લોન લેવા માટે એનઓસી જરૂરી હતી છતાં વેપારીને આશીષે એનઓસી ન આપી ગલ્લા તલ્લા કર્યા હતા. છેવટે ખબર પડી કે બિલ્ડરે ફલેટ બીજાને વેચી દીધો છે.