જામનગર શહેરમાં પોલીસ વિભાગ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં 350થી વધુ સીસી ટીવી કેમેરાઓ ફીટ કરીને એસપી કચેરી કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમથી સંચાલન કરવામાં આવે છે. જેમાં ટ્રાફીક નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકોને ઈ-ચલણ મેમો આપવામાં આવે છે. વર્ષ 2019થી અપાતા ઈ-ચલણના 68,956 મેમો આપવામાં આવ્યા હતા. જેમાં ઈ-મેમો ચલણ ન ભરનાર 33159 વાહન ચાલકોએ ઈ-મેમો ભરવા માટે નોટીસો આપવા છતાં ઈ-ચલણ ભરવામાં આવ્યા નથી.
એસપી કચેરીની પાછળ ઉભા કરાયેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ રુમ ખાતેથી શહેરના તમામ વિસ્તારોમાં પોલીસ તંત્ર દ્વારા સીસી ટીવી કેમેરાઓ ફીટ કરવામાં આવ્યા છે. જેમાં ટ્રાફીક નિયમો ભંગમાં ત્રિપલ સવારીમાં બાઈક ચલાવવી, ધુમ સ્ટાઈલના કેસ, ફોન પર વાત કરવી, સીટ બેલ્ટ, બ્લુ ફિલ્મ સહિતના કેસમાં ઈ-ચલણ મેમા આપવાનું શરુ કરાયું હતું. જેમાં સપ્ટેમ્બર 2022 સુધીમાં વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત 68,956 વાહન ચાલકોને ઈ-મેમા આપવામાં આવ્યા છે. જેમાં 35,677 વાહન ચાલકોએ ઈ-મેમાનો દંડ ભરી ચુક્યા છે.
જ્યારે 33,159 વાહન ચાલકોએ દંડ ભર્યો નથી. જેથી કમાન્ડ એન્ડ કંટ્રોલરુમના પોલીસ અધિકારીઓ દ્વારા નોટીસો મોકલવામાં આવી છે. તેમ છતાં છેલ્લા ત્રણ વર્ષથી ઈ-ચલણ મેમો વાહન ચાલકોએ ભર્યો નથી. જેથી વાહન ચાલકોને આખરી નોટીસો આપવામાં આવી રહી છે. સપ્ટેબર-2022થી કમાન્ડ એન્ડ કંન્ટ્રોલ રુમ દ્વારા વિશ્વાસ પ્રોજેક઼ટના ચલણ આપવાના બંધ કરેલ છે અને નવા ચલણ વન નેશન વન ચલણના પ્રોજેકટ અંતર્ગત આપવામાં આવે છે, અને વાહન ચાલકો પાસેથી દંડ વસુલવાની કાર્યવાહી કરવામાં આવે છે.

