Gujarat

જામનગર શહેરમાં સાત વર્ષમાં રૂા. 252.15 કરોડના ખર્ચે 3376 આવાસોનું નિર્માણ થયું

સાતમી ઓકટોબરના રોજ દેશના વડાપ્રધાનનરેન્દ્ર મોદીના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 24 વર્ષ પૂર્ણ થયા છે. વિકાસના આ સીમાચિહ્નરૂપ અવસરની ઉજવણી કરવા માટે સાત ઓક્ટોબરથી પંદર ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત 12-13 ઓક્ટોબરે શહેરી વિકાસ દિવસની ઉજવણી કરવામાં આવી છે.

વર્લ્ડ ક્લાસ સિટી ડેવલપમેન્ટને વેગ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા 2025નુ વર્ષ ‘શહેરી વિકાસ વર્ષ’ તરીકે ઊજવવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શહેરી વિસ્તારોમાં રહેતા ગરીબ અને નીચલા મધ્યમ વર્ગના પરિવારોને પોતાના સ્વપ્નનું ઘર આપવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અમલી બનાવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ યોજનાના અમલીકરણમાં ગુજરાત દેશનું અગ્રેસર રાજ્ય છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) માટે ગુજરાતને અત્યાર સુધીમાં કુલ 14 એવોર્ડ પણ મળી ચુક્યા છે.

જામનગર શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી) પ્રથમ તબ્બકો- અંતર્ગત વર્ષ 2015 થી વર્ષ 2022 સુધીમાં કુલ 252.15 કરોડના ખર્ચે 3376 આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે પૈકી ચાલુ વર્ષે 2025માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પોલીસ હેડક્વાર્ટર પાછળ, શરુ સેક્શન રોડ પર નિર્માણ પામેલા 544 આવાસોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું છે.

આ યોજનાની સફળતાના પરિણામે સપ્ટેમ્બર ૨૦૨૪થી પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0 હાઉસિંગ ફોર ઓલ મિશનની જાહેરાત કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ભારતભરમાં વર્ષ 2029 સુધીમાં 1 કરોડ પાકાં ઘરો બાંધવાની યોજના છે.