અલથાણમાં પાલિકાની ડમ્પિંગ સાઈટમાં સોમવારે બપોરે ફરી કોઈક કારણસર આગ લાગી જતાં નજીકની 6 જેટલી સોસાયટીના રહીશોને આંખમાં બળતરા તથા શ્વાસ લેવામાં તકલીફ સર્જાઈ હતી. ગાઢ ધુમાડો 2 કિલોમીટર દૂરથી દેખાતો હતો. કોલ મળ્યા બાદ ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી આગ ઓલવવાનું શરૂ કર્યું હતું. જો કે, રાત્રે 8 વાગ્યા સુધી સંપૂર્ણપણે કાબૂ મેળવી શકાયો ન હતો.
પાલિકાએ અલથાણમાં શ્રી શ્યામ રેસિડેન્સી સામેના ખાલી પ્લોટ પર કાપેલા વૃક્ષોના સૂકા કચરાની ડમ્પિંગ સાઈટ બનાવી છે. રવિવારે રાત્રે 10:20 વાગ્યે કચરામાં આગ લાગી અને મોટી જ્વાળા ઊઠી હતી. ફાયર બ્રિગેડે 3 કલાકની જહેમતે આગ ઓલવી નાખી હતી. જો કે, સોમવારે બપોરે 1 વાગ્યાની આસપાસ ફરી આગ લાગતાં રહેવાસીઓએ કોલ કર્યા હતા.
વેસુ, ભીમરાડ અને ભેસ્તાન ફાયર સ્ટેશનના વાહનોએ ઘટનાસ્થળે પહોંચી આગ ઓલવવાનું શરૂ કર્યું. જોકે, ભારે પવનને કારણે આગ પર કાબૂ મેળવી શકાયો ન હતો. લોકોએ પત્ર લખીને આ સાઇટ દૂર કરવા માંગ કરવા છતાં પાલિકાએ ધ્યાન આપ્યું નથી.

