માણસા નગરપાલિકાની આઠ વર્ષ બાદ યોજાનારી ચૂંટણીમાં રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. નગરપાલિકાની કુલ 28 બેઠકો માટે ભાજપમાંથી 140 અને કોંગ્રેસમાંથી 90 દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી છે.
કોંગ્રેસે મોટાભાગના ઉમેદવારોને ટેલિફોનિક સૂચના આપી દીધી હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે ભાજપના દાવેદારો મોવડી મંડળની મંજૂરીની રાહ જોઈ રહ્યા છે.
સત્તાધારી ભાજપ પક્ષે આ વખતે પણ ઉમેદવારોની પસંદગી પક્ષના ધારાધોરણ અને નિયમો મુજબ કરવાનું નક્કી કર્યું છે, જેમાં ‘નો રિપીટ થિયરી’નો અમલ થઈ શકે છે. બીજી તરફ, કોંગ્રેસે પણ તેમના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા લગભગ પૂર્ણ કરી લીધી છે.
છેલ્લા ત્રણ દિવસમાં ચૂંટણી લડવા માટે 59 ઉમેદવારોએ ફોર્મ મેળવ્યા છે. 1લી ફેબ્રુઆરી ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે.
ત્યારબાદ ફોર્મ ચકાસણી થશે અને 28 બેઠકો માટે અંતિમ ઉમેદવારોની સ્થિતિ સ્પષ્ટ થશે. સાત વોર્ડની આ ચૂંટણીમાં બંને પક્ષો જીત મેળવવા માટે મજબૂત ઉમેદવારોને તક આપવાની રણનીતિ અપનાવી રહ્યા છે.