Gujarat

પાલનપુર પાટિયા મસાલા સર્કલની આસપાસ દબાણો હટાવ્યા, વેપારીઓએ વિરોધ નોંધાવતા પોલીસ બોલાવવી પડી

સુરત પાલિકાના રાંદેર ઝોનમાં પાલનપોર પાટીયા વિસ્તારમાં મશાલ સર્કલની આસપાસ લારી-ગલ્લા તથા ટેમ્પરરી સ્ટ્રકચર બનાવી ખાણી-પીણીનીનું વેચાણ કરવામાં આવે છે. આ ઉપરાંત રામનગરથી હાઉસીંગના રોડ પર ગેરકાયદે શાક માર્કેટ પણ ભરાઈ છે.

આજે પાલિકાએ દબાણ દુર કરવાની કામગીરી કરી હતી. ત્યારે શરૂઆતમાં લોકોએ ભારે વિરોધ કર્યો હતો, જેથી પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો દુર કરવામાં આવ્યા હતાં.

દબાણકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ શહેરનાં રાંદેર ઝોન વિસ્તારમાં આવેલ પાલનપુર પાટિયા પાસે આજે સવારથી મહાનગરપાલિકાની ટીમ દ્વારા મોટાપાયે દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ગેરકાયદેસર દબાણ ઉભું કરનારાઓએ વિરોધ કરતાં એક તબક્કે મામલો બીચક્યો હતો.

બીજી તરફ દબાણકર્તાઓ અને સ્થાનિક પોલીસ સાથે પણ ઘર્ષણ ઉભું થયું હતું. ભારે વિરોધને પગલે દબાણ વિભાગની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વેપારીઓએ રાંદે ઝોનના અધિકારીઓ દ્વારા કરવામાં આવતી કાર્યવાહીને રોકવાનો પણ પ્રયાસ કર્યો હતો.

પોલીસ બંદોબસ્ત સાથે આખરે કાર્યવાહી પાલનપુર પાટીયા પાસે મશાલ સર્કલ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર દબાણને પગલે સ્થાનિકોથી માંડીને રાહદારીઓ અને વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્થાનિકો દ્વારા આ અંગે ફરિયાદ કરતાં આજે સવારે જ રાંદેર ઝોનની દબાણ ખાતાની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પોલીસ બંદોબસ્ત સાથે મશાલ સર્કલ પર લારી-ગલ્લા અને ગેરકાયદેસર દબાણો દુર કરવાની કાર્યવાહી દરમિયાન માથાભારે દબાણકર્તાઓએ વિરોધ કરતાં મામલો તંગ બન્યો હતો. જો કે, પોલીસની હાજરીને પગલે માથાભારે દબાણકર્તાઓનાં પ્રારંભિક વિરોધ વચ્ચે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.