Gujarat

22 એપ્રિલ સુધી બાળ તુલા, ગૃહ મુલાકાત અને જાગૃતિ શિબિર સહિતના કાર્યક્રમો યોજાશે

જામનગર જિલ્લામાં પોષણ પખવાડિયાની ઉજવણીનો પ્રારંભ થયો છે. આ કાર્યક્રમ 22 એપ્રિલ 2025 સુધી ચાલશે. જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

પોષણ અભિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 માર્ચ 2018ના રોજ શરૂ કર્યું હતું. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દર વર્ષે માર્ચ માસમાં પોષણ પખવાડિયાની ઉજવણી કરે છે. બેઠકમાં સૌએ પોષણ પખવાડિયા અંગેના શપથ લીધા.

પોષણ પખવાડા-2025માં જીવનના પ્રથમ 1000 દિવસો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. કાર્યક્રમમાં બાળ તુલા દિવસ, ગૃહ મુલાકાત, મમતા દિવસ, સ્વચ્છતા જાગૃતિ, નિબંધ સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું છે. આ ઉપરાંત પોષ્ટિક આહાર, તંદુરસ્ત આહાર પ્રથાઓ, વરસાદી પાણી સંગ્રહ અને ગર્ભાવસ્થા દરમિયાન જાગૃતિ સેશન યોજાશે.

કલેક્ટરે આંગણવાડી અને શાળાના બાળકોની નિયમિત આરોગ્ય તપાસની સૂચના આપી છે. તેમણે જિલ્લાને કુપોષણમુક્ત બનાવવા આરોગ્ય વિભાગ અને ICDS વચ્ચે સંકલનની જરૂરિયાત પર ભાર મૂક્યો. દરેક બાળકને દવાઓ અને પોષક આહાર નિયમિત મળે તે માટે સૂચના આપી.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પુરવઠા અધિકારી બારડ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. નુપુર પ્રસાદ, પ્રોગ્રામ ઓફિસર પ્રજ્ઞાબેન રાવલ અને તાલુકા કક્ષાના અધિકારીઓ હાજર રહ્યા હતા.