Gujarat

જિલ્લાના 15માંથી હવે ફકત 4 જળાશયમાં જુલાઇ સુધીનો જથ્થો, 43 ટકા પાણી બચ્યું

જામનગર જિલ્લાના 15 માંથી ફકત 4 જળાશયમાં જુલાઇ સુધીનો પાણીનો જ્થ્થો છે. કુલ સંગ્રહક્ષમતા સામે 43 ટકા પાણી બચ્યું છે. આથી ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં સિંચાઇ માટે પાણીની મોકાણ સર્જાવાની ભીતિ ઉભી થઇ છે. ચાર જળાશયોમાં એપ્રિલ સુધીની જળરાશિ છે. જયારે 6 ડેમમાં મે-જૂન સુધી ચાલે તેટલું પાણી છે. જામનગર જિલ્લામાં ગત વર્ષે મેઘરાજાએ મહેર કરતા મોટાભાગના જળાશયો ઓવરફલો થયા હતાં. આથી જિલ્લાના સિંચાઇ વિભાગના 14 માંથી 4 જળાશયોમાં હજુ જુલાઇ મહિના ચાલે તેટલો પાણીનો જથ્થો છે.

આ ડેમમાં ઉંડ-1, સસોઇ, પન્ના અને રણજીતસાગર ડેમનો સમાવેશ થાય છે. જયારે ફુલઝર-2 અને રૂપાવટી, કંકાવટી તથા ફોફળ-2માં એપ્રિલ મહિના સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો છે. ઉપરાંત ફુલઝર-1, સપડા, ઉંડ-3માં મે મહિના અને વિજરખી, વોડીસાંગ, ડાઇમીણસારમામ્ં જૂન મહિના સુધી ચાલે તેટલું પાણી છે. શહેરને પાણી પુરૂં પાડતા જળાશયોમાં જુલાઇ મહિના ચાલે તેટલું પાણી છે. પરંતુ અન્ય જળાશયોમાં જળરાશિ ઓછી હોય જો સમયસર વરસાદ નહીં થાય તો ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની મોકાણની ભીતિ સેવાઇ રહી છે.

શહેરના પાણી પુરૂં પાડતા સાગરમાં 3 મહિનાનું પાણી જામનગર શહેરને પાણી પુરૂં પાડતા ઉંડ-1, સસોઇ અને રણજીતસાગર ડેમમાં જુલાઇ મહિના સુધી ચાલે તેટલું પાણી છે. રણજીસાગર ડેમની ક્ષમતા 27.5 ફુટ છે. ત્યારે હાલ 24 ફુટ ડેમ ભરેલો છે. શહેરમાં પાણી વિતરણ માટે આ ડેમમાંથી રોજનું 30 એમએલડી પાણીનો ઉપાડ કરવામાં આવે છે. જયારે બાકીનો પાણીનો જથ્થો અન્ય ડેમમાંથી લેવામાં આવે છે.