આંગણવાડી કાર્યકરોએ મહાનગરપાલિકાની CDPO કચેરી ખાતે ઓનલાઈન કામગીરીનો વિરોધ નોંધાવ્યો છે. મોબાઈલ ફોન ન મળતા, તેમણે પોતાના સીમકાર્ડ પરત કર્યા હતા. આ સાથે જ, હાઈકોર્ટના નિર્દેશ મુજબ ₹24,800ના પગારની પણ માંગણી કરી છે, જે હાલ તેમને મળતો નથી.
કાર્યકરોએ જણાવ્યું કે, છેલ્લા સાત વર્ષથી મોબાઈલ ફોનની માંગણી છતાં તેમને માત્ર સીમકાર્ડ જ આપવામાં આવ્યા છે. મોબાઈલ ફોન વગર સીમકાર્ડનો ઉપયોગ કેવી રીતે કરવો તે પ્રશ્ન હોવા છતાં, તેઓ પોતાના અંગત મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને ઓનલાઈન કામગીરી કરતા હતા. સરકારી ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવા છતાં પણ હજુ સુધી મોબાઈલ ફોન પૂરા પાડવામાં આવ્યા નથી.

ભારતીય આંગણવાડી મહાસંઘના મેઘનાબેન ચાટવાણીએ માહિતી આપી હતી કે, હાઈકોર્ટે આંગણવાડી કર્મચારીઓને ₹24,800નો પગાર ચૂકવવાનો ચુકાદો આપ્યો છે, પરંતુ તેનો અમલ થયો નથી. હાલમાં તેમને માત્ર ₹10,000નો પગાર મળે છે. મોબાઈલ ફોન ન હોવા છતાં ઓનલાઈન કામગીરી કરતી વખતે કોઈ ભૂલ થાય તો અધિકારીઓ દ્વારા સીધી કપાત કરવામાં આવે છે અને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકીઓ પણ આપવામાં આવે છે.

આ વિરોધના ભાગરૂપે, આંગણવાડી કાર્યકરોએ ઓનલાઈન કામગીરી બંધ રાખવાની જાહેરાત કરી છે અને CDPO અધિકારીઓને પોતાના સીમકાર્ડ સુપરત કર્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેમની માંગણીઓ સંતોષાય નહીં ત્યાં સુધી સરકારને કોઈ ઓનલાઈન ડેટા આપવામાં આવશે નહીં, જોકે ઓફલાઈન કામગીરી ચાલુ રહેશે. આ લડતના ભાગરૂપે, 10 નવેમ્બરે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ગુજરાત પ્રદેશ સ્તરની ‘આક્રોશ રેલી’નું પણ આયોજન કરવામાં આવ્યું છે.

