હોટલ પર MRPથી વધારે ભાવ લેવા અંગે પત્રકાર પુત્રના લૂંટી લીધેલા ચાર તોલાના સોનાના ચેનની લૂંટની ફરિયાદ નોંધવાનો ઇન્ચાર્જ પીઆઈ ઝાલાનો ઇન્કાર કરતાં પોલીસને હાઇકોર્ટમાં ઢસડાઈ
સુપ્રીમ કોર્ટની સ્પષ્ટ તાકીદ છતાં ધારાસભ્યના દબાણ હેઠળ ફરિયાદ લેવાનો ઇન્કાર કરનારી પોલીસ તંત્ર પર હાઈકોર્ટ ફટકાર લગાવે તેવી સંભાવના: આ મુદ્દે મુખ્યમંત્રી સહિતના ઉચ્ચ કક્ષાએ ફરિયાદ થઈ હોય તંત્ર દોડતું થયું

લીંબડીના ભાજપી ધારાસભ્ય કિરીટસિંહ રાણાની માલિકીની હોટલ જમુના હોનેસ્ટ પર તાજેતરમાં ખાણીપીણી વસ્તુના MRPથી વધારે ભાવ લેવા મુદ્દે પત્રકાર અને તેના પુત્ર પર હુમલો થયો હતો.આ હુમલા દરમ્યાન હુમલાખોરોએ પત્રકાર પુત્રનો ચાર તોલાનો સોનાનો ચેન લૂંટી લીધો હતો.આ ચેન લૂંટની ફરિયાદ લીંબડી પોલીસના ઇન્ચાર્જ પીઆઈએ MLA કિરીટસિંહ રાણાની તરફેણ કરતા હોય કે તેમ આ ચેન લૂંટાયો નથી પરંતુ ખોવાઈ ગયો છે તેમ કહીને ફરિયાદ દાખલ કરવાનો ઇન્કાર કર્યો હતો.આ ઇન્કાર સામે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ જેતપુરના પત્રકાર હરેશભાઈ ભાલીયા તેના પત્રકાર પુત્ર તુષાર અને ભાણેજ વિશ્વાસ સાથે ચેનલના કામ માટે કારમાં દિલ્હી જઈ રહ્યા હતાં. ત્યારે મોડી રાત્રે 2.30 વાગ્યાની આસપાસ લીંબડી હાઈવે પર આવેલી જમુના – હોનેસ્ટ હોટલ પર ચા – પાણી પીવા માટે ઊભા રહ્યા હતાં. જે દરમ્યાન હોટેલમાં આવેલી પાનની દુકાન વસ્તુ લેવા ગયા હતાં.જયાં વસ્તુના MRPથી વધારે ભાવ લેવાતા વિરોધ નોંધાવ્યો હતો.

જેથી, ઉશ્કેરાયેલા બ્લેક કલરનું જેકેટ પહેરેલા દુકાન ચાલકે પત્રકાર હરેશભાઈ તેના પુત્ર તુષારને ગાળો ભાંડીને બોલાચાલી કરી હતી.ગાળો આપવાની ના પાડતા હોટેલના સ્ટાફ એકઠો થઈ ગયો હતો.આ લોકોને ફાર્મ હાઉસમાં લઈ લો એવી બુમો પાડતા લાકડી-ધોકા લઈને સ્ટાફના ટોળા એકઠા થઈ ગયા હતાં.

પુત્રના અપહરણનો પ્રયાસ કરીને હોટલ પાછળ આવેલા MLAના મનાતા ફાર્મ હાઉસ પર લઈ જવાનો પ્રયાસ કરતાં સ્ટાફના ટોળાને હરેશભાઈએ રોકવાનો પ્રયાસ કર્યો હતો.જેથી, સ્ટાફના ટોળાએ લાકડી-ધોકા વડે હરેશભાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો.આ ઝપાઝપીમાં તુષારનો રૂ.2.31 લાખની કિંમતનો ચાર તોલા સોનાનો ચેન બ્લેક કલરના જેકેટ પહેરેલા વ્યકિતએ ખેંચી લઈને લૂંટ ચલાવી હતી.
આ હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા હરેશભાઈ અને તેના પુત્રને સારવાર માટે લીંબડી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.જ્યાં સારવાર લીધા બાદ હરેશભાઈએ હોટલ સ્ટાફ સામે પોલીસ તંત્રને અરજી આપીને ચેનલના કામ સબબ દિલ્હી જવા રવાના થયા હતાં.
દિલ્હીથી પરત ફર્યા બાદ તાજેતરમાં લીંબડી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા ગયા હતાં.પરંતુ, પીઆઈના ચાર્જમાં રહેલા પીએસઆઈ સિદ્ધરાજસિંહ ઝાલાએ ભાજપી MLA કિરીટસિંહ રાણાના દબાણ હેઠળ લૂંટની ફરિયાદ નોંધવાનો ઇન્કાર કરીને માત્ર ચેન ચોરાયાની ફરિયાદ જ લેવાશે તેમ જણાવી દીધું હતું.
સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ પોલીસે અરજદારની ફરિયાદ લેવી ફરજિયાત છે.પરંતુ, લીંબડી પોલીસ MLA કિરીટસિંહ રાણાના ઘૂંટણીયે પડી ગઈ હોય તેમ લૂંટની ફરિયાદ લેવાનો ઇન્કાર કરતા આ અંગે હરેશભાઈએ મુખ્યમંત્રી, રાજ્યપાલ , ગૃહ મંત્રી સહિતના ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરી હતી.જે બાદ, તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરીને લૂંટની ફરિયાદ નોંધવા પોલીસને આદેશ કરવા દાદ માંગી છે.
જેમાં, ધારાસભ્યના દબાણ હેઠળ ફરિયાદ લેવાનો ઇન્કાર કરનારા પોલીસ તંત્ર પર હાઈકોર્ટ ફટકાર લગાવે તેવી સંભાવના હોય લીંબડી પોલીસના ઇન્ચાર્જ પીઆઈ સિદ્ધરાજસિંહ ઝાલા સહિતના સ્ટાફમાં ફફડાટની લાગણી ફેલાઇ જવા પામી છે.
ઉપરાંત, મુખ્યમંત્રી સહિતના ઉચ્ચ કક્ષાએ આ મુદ્દે ફરિયાદ થઈ ગાંધીનગરથી દબાણ આવતા તંત્ર દોડતું થયું છે.
તાજેતરમાં જ અમરેલીમાં લેટર કાંડમાં ધારાસભ્યના કહેવાથી તેમજ ધારાસભ્યની મેટર હોય જેથી પાટીદાર દીકરીને જાહેરમાં સરઘસ કાઢ્યું હતું અને તેમાં સમગ્ર પોલીસ તંત્રનું નાક કપાયું હતું, જ્યારે આ વાતમાં લીંબડી ધારાસભ્યની જ હોટલ હોય અને ધારાસભ્યના જ માણસો હોય પોલીસ આવા બેફામ બનેલા ગુંડાગર્દી પર ઉતરેલા અપરાધીઓ સામે પોલીસે કેમ દંડો ન ઉગાડ્યો તે એક વાત જોવા જેવી છે. આમ તો ધારાસભ્યના જ આ માણસો હોય જેથી પોલીસને શેહ શરમ રાખવી પડતી હોય. તેવું લાગી રહ્યું છે ત્યારે જ આ ફરિયાદ પોલીસ દ્વારા ના લેવામાં આવી હોય તે ચોક્કસપણે માનવું જ રહ્યું.

