Gujarat

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં સુવર્ણચંદ્રક મેળવનારા વિદ્યાર્થીઓના પ્રતિભાવો

એમ.બી.બી.એસ.ના સર્જરી વિષયમાં એકસાથે ચાર ગોલ્ડ મેડલ મળવાથી ખૂબ ખુશ છું : શ્રી તારિકાબેન રામચંદાણી

શ્રી તારિકાબેન રામચંદાણી કહે છે કે એમ.બી.બી.એસ.ના સર્જરી વિષયમાં એકસાથે ચાર ગોલ્ડ મેડલ મળવાથી ખૂબ ખુશ છું. જામનગરની સરકારી મેડીકલ કોલેજમાં અભ્યાસ કર્યા બાદ હાલમાં ઇન્ટર્ન તરીકે ફરજ નિભાવું છું. આ વર્ષે સૌથી વધુ ચાર ગોલ્ડ મેડલ મારા ફાળે છે, ત્યારે હું આ સિદ્ધિનો જશ માતા-પિતા અને પ્રાધ્યાપકોને આપું છું. ભવિષ્યમાં એક તબીબ તરીકે તો ખરાં જ, પણ એક ઉમદા માનવ તરીકે પણ દેશવાસીઓની સેવા કરવી છે. આ પ્રસંગે ગુજરાત સરકારનો આભાર કે સરકાર મહિલાના કલ્યાણલક્ષી વિવિધ યોજનાઓના અમલની સાથેસાથે વિદ્યાર્થીનીઓની શૈક્ષણિક કારકિર્દી માટે પણ પ્રયાસશીલ છે.

ભવિષ્યમાં મીડિયા ક્ષેત્રે કારકિર્દી બનાવવાની ઈચ્છા છે, જેમાં સુવર્ણચંદ્રક પ્રોત્સાહન રૂપ બનશે – શ્રી વિવેકભાઈ ભંડેરી

શ્રી વિવેકભાઈ ભંડેરીએ જણાવ્યું છે કે મને બી.જે.એમ.સી. એટલે કે પત્રકારત્વના કોર્ષમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો છે. આ સાથે જીવનમાં ઓછામાં ઓછું એક વાર ગોલ્ડ મેડલ મેળવવાનું સપનું પૂર્ણ થયું છે. ભવિષ્યમાં મીડિયા ક્ષેત્રે કારકિર્દી બનાવવાની ઈચ્છા છે, જેમાં સુવર્ણચંદ્રક પ્રોત્સાહન રૂપ બનશે. ત્યારે વિદ્યાર્થીકાળમાં પથદર્શક બનનારા મારા માતા-પિતા, પરિવારજનો, ગુરુદેવ, વિદ્યાર્થી મિત્રો અને સૌરાષ્ટ્ર યુનીવર્સીટીનો ખૂબ ખૂબ આભાર.

કારકિર્દી સફળ બનવવાના ધ્યેયને છેલ્લે સુધી વળગી રહેજો, કારણ કે સફળતા મેળવવાનો શોર્ટ-કટ હોતો નથી : શ્રી ઝોહેરભાઈ ગાંધી

શ્રી ઝોહેરભાઈ ગાંધી જણાવે છે જામનગરની એમ.પી. શાહ મેડીકલ કોલેજમાં અભ્યાસ કર્યો છે, હાલમાં ઇન્ટર્નશીપ ચાલી રહી છે. મને ત્રણ ગોલ્ડ મેડલ અને સાત ઇનામો મળ્યા છે, જેનું કારણ મારા માતા-પિતા અને પ્રાધ્યાપકોનું પ્રોત્સાહન અને સહપાઠી મિત્રોનો સહકાર છે. યુવાનોને સંદેશ આપવા માંગુ છું કે કારકિર્દી સફળ બનવવાના ધ્યેયને છેલ્લે સુધી વળગી રહેજો, કારણ કે સફળતા મેળવવાનો શોર્ટ-કટ હોતો નથી.

પ્રગતિના પંથે આગળ વધવા ઈચ્છતા હોય, તેઓ વ્યસન અને સોશિયલ મીડિયાના વધુ ઉપયોગથી દૂર રહે : શ્રી દેવાંગીબેન વ્યાસ

શ્રી દેવાંગીબેન વ્યાસ કહે છે કે મોરબીની પ્રભાબેન પટેલ લો કોલેજમાં એલ.એલ.બી. પૂર્ણ કર્યું છે. કાયદા શાખામાં ત્રણ ગોલ્ડ મેડલ મળવાથી આંનદની અનુભૂતિ થઇ રહી છે. આ ગૌરવશાળી ક્ષણ સુધી પહોંચવામાં મારી મહેનતની સાથેસાથે માતા-પિતા, ગુરુજનો, આચાર્ય અને ટ્રસ્ટીઓનું માર્ગદશન મળ્યું છે. એટલું જ નહીં, તેમણે સફળતાના શિખર સુધી પહોંચવામાં પગલે-પગલે સાથ આપ્યો છે. જેના કારણે મોરબી અને સૌરાષ્ટ્ર યુનીવર્સીટીનું નામ રોશન કરી શકી છું. ત્યારે યુવાનોને સંદેશ આપું છું કે પ્રગતિના પંથે આગળ વધવા ઈચ્છતા હોય, તેઓ વ્યસન અને સોશિયલ મીડિયાના વધુ ઉપયોગથી દૂર રહે.