નડિયાદના બસ મથકમાં રાજ્ય અને આંતરરાજ્ય બસોની સતત અવરજવર હોય છે. જેને કારણે હજારોની સંખ્યામાં રોજ મુસાફરો બસ મથકમાં આવતાં – જતાં હોય છે. ત્યારે બસ મથકમાં મુસાફરોની સુરક્ષાની બાબતને ધ્યાનમાં લઇને બસ સ્ટેન્ડમાંથી ખાનગી વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવી હતી. જોકે, તેમછતાં નડિયાદના બસ મથકમાંથી રોજના 1 હજારથી વધુ વાહનોની બેરોકટોક અવરજવર જોવા મળે છે.
નડિયાદમાં આવેલા બસ સ્ટેન્ડમાંથી રાજ્ય ઉપરાંત આંતરરાજ્ય બસોની પણ અવરજવર રહે છે. સતત ધમધમતા આ બસ મથકમાં મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં લઇ ખાનગી વાહનોની અવર જવર બસ મથકમાંથી પ્રતિબંધિત કરવામાં આવી હતી.
અગાઉ પોલીસ દ્વારા બસ મથકમાંથી અવર જવર કરતાં ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવતી હતી. પરંતુ હવે તો 100 મીટરનો ફેરો બચે તે માટે ચાલકો પૂરઝડપે બસ મથકમાંથી જ વાહન લઇને પસાર થતાં જોવા મળે છે.
મુસાફરોની સુરક્ષાને ધ્યાને લઇને નડિયાદ ડેપો દ્વારા બસ સ્ટેન્ડની બહાર જાહેર નોટિસ પણ લગાવવામાં આવી છે. જેમાં કોઈપણ ખાનગી વાહનોએ બિનઅધિકૃત રીતે પ્રવેશ કરવો નહીં તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.
જોકે, શહેરીજનો 100 મીટરનો ફેરો ન મારવો પડે તે માટે બસ સ્ટેશનમાંથી જ વાહન લઈને પસાર થતાં જોવા મળે છે. આ ઉપરાંત બસ મથકમાં ખાનગી વાહનોનું પાર્કિંગ પણ જોવા મળે છે.