ઠંડીમાં જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે ગરમ કપડાંનું વિતરણ કરવામાં આવ્યું
શ્રી દિનેશ બાલચંદ સુંદરજી દોશી ટ્રસ્ટ માનવતાની સેવામાં અગ્રેસર
કડકડતી ઠંડીમાં જ્યારે ગરીબ અને અતીજરૂરિયાતમંદ લોકો ઠંડીથી ધ્રુજી રહ્યા હોય ત્યારે શ્રી દિનેશ બાલચંદ સુંદરજી દોશી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ સેવાકાર્ય ખરેખર પ્રશંસનીય છે. ટ્રસ્ટ દ્વારા સાવરકુંડલા અને આસપાસના વિસ્તારોમાં રહેતા હજારો લોકોને ગરમ કપડાંનું વિતરણ કરીને માનવતાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.

ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી, પરાગભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ, આ સેવાકાર્યને સફળ બનાવવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે, “આ કડકડતી ઠંડીમાં ગરીબ અને અતિ જરૂરિયાતમંદ લોકોને થોડી રાહત મળે તેવા હેતુથી આ સેવાકાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ સંસ્થા દ્વારા ઉદારતા ચેરીટેબલ ટ્રસ્ટના ૧૦૦ બાળકોને ગરમ કોટ અને સાવરકુંડલાના નગરવાસીઓને બ્લેન્કેટ વિના મૂલ્યે આપવામાં આવેલ.

આ ઉપરાંત, મધરાત્રે ૫૦૦ જેટલા લોકો સુધી ગરમ કપડાં પહોંચાડવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.” આ સેવાકીય મહાયજ્ઞના પુનિત કાર્યમાં કાર્તિકભાઇ મહેતા, પ્રફુલગીરી ગોસાઈ, ધારાબેન ગોહિલ અને સતીશ પાંડે જેવા સેવકો દ્વારા સક્રિય સેવા સહયોગ પ્રાપ્ત થયો હતો હતો.

તેમના આ સેવાકીય કાર્યથી સમાજસેવાની ભાવનાને પોષણ મળતાં ઉંચેરી ઉડાન માટે નવ પલ્લવિત પાંખો પ્રાપ્ત થઈ છે.
શ્રી દિનેશ બાલચંદ સુંદરજી દોશી ટ્રસ્ટ માત્ર ગરમ કપડાંનું વિતરણ પૂરતું મર્યાદિત નથી. આ ટ્રસ્ટ દ્વારા સમગ્ર જિલ્લામાં અનેક સેવાકાર્યો કરવામાં આવી રહ્યા છે. શિક્ષણ, આરોગ્ય અને અન્ય સામાજિક કાર્યો માટે પણ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૨૫ વર્ષથી નિરંતર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ સંદર્ભે ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પરાગભાઈ ત્રિવેદીએ વધુમાં જણાવ્યું કે, “અમારો પ્રયાસ છે કે દરેક જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી આપણી સેવાઓ પહોંચે. ગરમ કપડાં, જર્સી અને બ્લેન્કેટ જેવી જરૂરી વસ્તુઓ દ્વારા અમે લોકોને થોડી રાહત આપી શકીએ છીએ. અમે આગળ પણ આવા જ સેવાકાર્યો કરતા રહીશું એવો દ્રઢ નિર્ધાર પણ કર્યો હતો.

શ્રી દિનેશ બાલચંદ સુંદરજી દોશી ટ્રસ્ટનું આ સેવાકાર્ય સમાજ માટે પ્રેરણાનું ઝરણું બન્યું છે. આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ કાર્યથી સમાજમાં એક સકારાત્મક સંદેશો જાય છે . આમ જ્યોત સે જ્યોત જલે ઔર સેવા કા યે દિપ હરદમ જલતા રહે એવી નેમ સાથે આ ટ્રસ્ટ અવિરત સેવાકીય પ્રવૃત્તિઓ કરતું રહેશે એવો સેવાભાવ સાથે આ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી પરાગભાઈ ત્રિવેદી દ્વારા વિશ્ર્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો
બિપીન પાંધી સાવરકુંડલા