Gujarat

એકાઉન્ટન્ટે માલિકની જાણ બહાર 21.10 લાખની ઉચાપત કરી, ખોટી એન્ટ્રી કરી નાણાં ટ્રાન્સફર કર્યા

નડિયાદમાં પ્રખ્યાત ચવાણા-ફરસાણના પેઢીના માલિકને ત્યાં એકાઉન્ટનુ કામ કરતા ઈસમે લાખો રૂપિયાનો ચુનો લાગવ્યો છે. માલિકની જાણ બહાર જુદાજુદા તારીખો અને સમય દરમિયાન પેઢીના એકાઉન્ટમાંથી રૂપિયા 21.10 લાખની નાણાંકીય ઉચાપત આચરી હતી.

ખોટી ખોટી એન્ટ્રીઓ કરી મલિકના મોબાઇલ ફોનમાથી ઓટીપી મેળવીને તમામ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા. માલિકે ઓડિટ કરાવતા સમગ્ર બાબત ધ્યાને આવી હતી.

જોકે આ પહેલાથી જ નાણાં ચાઉ કરનાર ઈસમે નોકરી ન આવી અને પછી ગાયબ થયો છે. આ મામલે પેઢીના માલિકે નાણાંની ઉચાપત આચરનાર ઈસમ સામે નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

નડિયાદ શહેરમાં સાથ બજાર વિસ્તારમાં 75 વર્ષીય નવીનચંદ્ર ભાવસાર રહે છે. તેઓની નડિયાદ શહેરમાં બે અલગ અલગ જગ્યાએ નવીનચંદ્ર ભાવસાર નામથી ચવાણા-ફરસાણની પેઢી આવેલી છે. શહેરના કોલેજ રોડ ઉપર વાણીયાવાડ વિસ્તારમાં આ પેઢીની બીજી દુકાન આવેલી છે.

જ્યાં જયેશ પટેલ (રહે.ખલાડી, તા.મહુધા) એકાઉન્ટનું તેમજ ઓનલાઈન પેમેન્ટનું તથા ડેટા એન્ટ્રીનું તમામ કામકાજ કરે છે.

આ જયેશ લાંબા સમયથી અહીંયા નોકરી કરતો હોય જેથી નવીનચંદ્ર ભાવસારને વિશ્વાસ આવ્યો હતો અને ધીમે ધીમે સમગ્ર ધંધાનો નાણાકીય વ્યવહાર તેમજ પૈસાની લેવડદેવડ આ જયેશને સોંપી હતી.

ગયા ફેબ્રુઆરી 2025મા વાણીયાવાડ દુકાનનું એકાઉન્ટ ચેક કરવામાં આવ્યું હતું. જેમાં બહાર આવ્યું હતું કે ધંધાના જે પૈસાનો વ્યવહાર થયો છે તેમાં ઘણા બીલો આવેલા નથી. પોલ પકડાય જતા 15 ફેબ્રુઆરી 2025ના રોજથી આ જયેશ પટેલે નોકરીએ આવવાનું અચાનક બંધ કરી દીધું હતું.

આ પહેલા અગાઉના મહિના દરમિયાન પણ તે રેગ્યુલર આવતા નહોતા બીજી તરફ નવીનચંદ્ર ભાવસાર દ્વારા આ પેઢીમાં ઓડિટ કરાવતા માલુમ પડ્યું હતું કે આ જયેશ પટેલે ગત 1 જુલાઈ 2023થી 30 ઓક્ટોબર 2024 દરમિયાન નાણાકીય વ્યવહારોમાં મોટી ગફલતો કરી છે.

પેઢીના બે એકાઉન્ટમાંથી યુપીઆઈ દ્વારા જે પૈસા આવેલા તે રૂપિયામાંથી આ જયેશ પટેલે પોતે પેઢીના માલિક વતી રોમટીરીયલના ખરીદ અંગે ચૂકવાયા હોવાનું દર્શાવી તેણે પોતાના બેંક એકાઉન્ટમાં ઓનલાઇન ટ્રાન્સફર કરી દીધા હતા તેમજ અન્ય ટ્રેડર્સનું નામ લખી પોતાના એકાઉન્ટમાં કુલ રૂપિયા 5 લાખ 71 હજાર 236 રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા.

આ ઉપરાંત ઉપરોક્ત એકાઉન્ટમાંથી અન્ય લોકોના ખાતામાં બીજા નામો બતાવી વ્યપારીઓના નામની ખોટી એન્ટ્રીઓ કરી અલગ અલગ તારીખો દરમિયાન 15 લાખ 49 હજાર 81 રૂપિયા મળી કુલ રૂપિયા 21 લાખ 20 હજાર 317ની નાણાંકીય ઉચાપત આચરી હોવાનું ખુલ્યું હતું. માલિકને ઓટીપી આવતા પરંતુ માલિકને કહેલ કે, રોમટીરીયલ ખરીદવા હોવાનું જણાવી આ ઓટીપી મેળવતો હતો.

આ સાથે અન્ય રકમ પણ ક્રેડિટ કાર્ડ દ્વારા ટ્રાન્સફર કરાવી છે જોકે તેની વિગતો હજી ચોક્કસ પેઢીના માલિકને ખબર નથી. આ બનાવ મામલે પેઢીના માલિક નવીનચંદ્ર ભાવસારે નડિયાદ ટાઉન પોલીસ મથકે ઉપરોક્ત નાણાકીય ઉચાપત આચરનાર ઈસમ જયેશ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.