માંડવી તાલુકા પંચાયતના સભાગૃહમાં તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને તથા સભ્ય સચિવ ટીડીઓ આર એલ સોલંકીની ઉપસ્થિતિમાં સામાન્ય સભા મળી જેમાં સર્વાનુમતે અંદાજપત્રને બહાલી આપવામાં આવી હતી.
માંડવી તાલુકા પંચાયતની સામાન્ય સભામાં તાલુકા પંચાયત કચેરી માંડવીનું 2024-25નું સુધારેલ અને 2025-26નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું જેમાં સ્વભંડોળ અને સરકારી યોજનાઓની કુલ આવક રૂપિયા 108.68 કરોડ અને કુલ ખર્ચ 108.49 કરોડનું આવક જાવક સાથેનું અંદાજપત્ર સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું
અને અધિકારીઓ તથા પદાધિકારીઓ વચ્ચે પ્રજાલક્ષી વિવિધ સમસ્યાઓ અને તેના નિરાકરણ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી અને તમામ સમસ્યાઓના સુખદ ઉકેલ માટે હકારાત્મક વલણ સાથે અંદાજપત્ર અંગેની બેઠક પૂર્ણ કરી હતી.
માંડવી તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા તરીકે કોંગ્રેસ પક્ષના સભ્ય નાથુભાઈ કનૈયાભાઈ ચૌધરીની વરણી કરવામાં આવી હતી.
આ સભામાં એક રાષ્ટ્ર એક ચૂંટણી અંતર્ગત ભારત દેશની લોકસભા અને ભારત દેશના તમામ રાજ્યોની વિધાનસભાની સામાન્ય ચૂંટણી એક સાથે કરાવવા ભારતની સંસદમાં રજૂ થયેલ બંધારણીય સુધારણા બીલ- 129 સંશોધન વિધાયક 2024ને સમર્થન આપવા તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા પ્રસ્તાવ રજૂ થયો હતો જેને બહુમતીથી પસાર કરવામાં આવ્યો હતો.