Gujarat

વીર શહીદોના પરિવારો માટે જહાંગીરપુરાના નિવૃત બેંક કર્મચારીએ 11,11,111નું દાન આપી કહ્યું ‘માતા-પિતાના સંસ્કારોથી પ્રેરણા મળી’

સુરતના એક નિવૃત બેંક કર્મચારીના પરિવાર તરફથી ભારતના વીર શહીદ જવાનોના પરિવારોને સહાયરૂપ થવા રૂ. 11,11,111નું દાન જય જવાન નાગરિક સમિતિ સુરતને અર્પણ કર્યું હતું.

મૂળ ભરૂચના વતની અને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં લાંબી નોકરી કર્યા બાદ હાલ નિવૃત એવા સોમાભાઈ ચુનીલાલ ચૌહાણ તથા તેમના ધર્મપત્ની ઈન્દિરાબેને રાષ્ટ્ર ભાવના સાથે જય જવાન નાગરિક સમિતિના ટ્રસ્ટીઓને રૂ. 11,11,111નો ચેક અર્પણ કર્યો હતો. સોમાભાઈ ચૌહાણ હાલ જહાંગીરપુરા રહે છે અને તેમનો દીકરો ધર્મેશ અને પુત્રવધુ નેહાબેન મુંબઈ રહે છે. નિષ્ઠાપૂર્વક નોકરી કર્યા પછી તેઓ ખુબ સાદાયથી રહે છે.

ઈન્દિરાબેન આજે પણ જાતે સીવેલા કપડાં પહેરે છે. સાદાઇથી જીવી બચાવેલી મૂડીમાંથી રાષ્ટ્ર માટે કંઈક કરવાના ભાવથી વીર જવાનોના પરિવારોને સન્માન સાથે સહાય અર્પણ કરવાના ભાવથી આ દાન આપ્યું હતું.

સોમાભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, મારા પિતા ચુનીભાઈ અને માતા મણીબેનના સંસ્કારો અને લાગણીરૂપે અમને આ દાન આપવાની પ્રેરણા મળી છે. જય જવાન નાગરિક સમિતિ સુરત તરફથી ચૌહાણ પરિવારનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

જય જવાન નાગરિક સમિતિના ટ્રસ્ટી કાનજી ભાલાળા સહિતનાઓએ દાનનો સ્વીકાર કર્યો હતો. કારગીલ યુદ્ધ સમયથી શરૂ થયેલી આ પ્રવૃત્તિમાં અત્યાર સુધીમાં 425 શહીદોના પરિવારોને 6.63 કરોડ અર્પણ કરાયા છે.