Gujarat

વહેલી સવારે 5 વાગ્યે લાગેલી આગ પર ફાયર બ્રિગેડે 2 કલાકની જહેમત બાદ કાબૂ મેળવ્યો

ભાવનગર જિલ્લાના પાલીતાણામાં આજે વહેલી સવારે એક ઓઇલ મિલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. પાલીતાણા-ભાવનગર રોડ પર આવેલી એમ.જે. યુનિટ ઓઇલ મિલમાં સવારે 5 વાગ્યા આસપાસ આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનાની જાણ થતાં જ પાલીતાણા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

ફાયર વિભાગના અધિકારી મયંકભાઈના જણાવ્યા અનુસાર, આગનું સ્વરૂપ વિકરાળ હોવાથી અજયસિંહ, જયદીપસિંહ, બીજલભાઇ, મયંકભાઇ, મનાભાઈ સહિતના સ્ટાફે વોટર બ્રાઉઝર અને નાની ગાડીઓ સાથે આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. આગનું સ્વરૂપ વધુ ભયાનક હોવાથી વધારાનું એક વોટર બ્રાઉઝર પણ મંગાવવામાં આવ્યું હતું ફાયર બ્રિગેડની ટીમે સતત બે કલાક સુધી પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો.

જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ ઘટનામાં થયેલા નુકસાનનો આંકડો પણ હજુ સામે આવ્યો નથી. આગની ઘટના પેટ્રોલ પંપની બાજુમાં બની હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.