જિલ્લાના ડભોઇથી વાઘોડિયાને જોડતા મુખ્ય માર્ગ ઉપર છેલ્લા એક વર્ષથી નાળું બનાવવાની કામગીરી ચાલી રહી છે. પરંતુ, આ નાળાની કામગીરી પૂરી ન થતાં ગ્રામજનો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે.
છેલ્લા એક વર્ષથી આપદા ભોગવી રહેલા ગ્રામજનોએ નાળા પાસે પહોંચી દૈખાવો-સુત્રોચ્ચાર કર્યા હતા. ગ્રામજનોએ જણાવ્યું હતું કે, આ રસ્તો બંધ હોવાથી ગ્રામજનોને 40 કિલોમીટર ફરીને જવાની ફરજ પડી રહી છે. આ અંગે આર એન્ડ બીએ જણાવ્યું કે, આગામી 15 એપ્રિલ સુધીમાં આ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે.

1 વર્ષ ઉપરાંતથી ચાલતી કામગીરીથી મુખ્ય માર્ગ બંધ સ્થાનિક નિકુંજભાઇ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર રોડ રસ્તા અને નાળાના કામ જલ્દી શરૂ થાય અને લોકોને સુવિધા મળે તે દિશામાં કામ કરી રહી છે. પરંતુ, વડોદરાના ડભોઇથી વાઘોડિયા જવાના મુખ્ય માર્ગ ઉપર મંથર ગતિએ બની રહેલા નાળાના કારણે છેલ્લા એક વર્ષથી રસ્તો બંધ હાલતમાં છે.
જેને લઇને રાહદારીઓને 40 કિલોમીટરનું અંતર કાપી વાઘોડિયા જવાનો વારો આવ્યો છે. ડભોઇથી વાઘોડિયા માત્ર 25 કિલોમીટરનું અંતર છે, પરંતુ ઢોલાર ગામ પાસે આવેલું નાળાનું કામ છેલ્લા 1 વર્ષ ઉપરાંતથી ચાલતું હોવાથી મુખ્ય માર્ગ બંધ છે. જેને લઇને ડભોઇથી વાઘોડિયા જવા માટે ગોલાગામડી થઈ વાઘોડિયા જવું પડે છે. જેથી 20 કિલોમીટરનું ભાડું વધી જતા વિદ્યાર્થીઓ અને રાહદારીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

નાળાનું કામ તકલાદી થઇ રહ્યું હોવાનો આક્ષેપ સ્થાનિક પ્રકાશભાઇ પટેલે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, જ્યારથી આ નાળાનું કામ ચાલુ થયું છે ત્યારથી કોઇ અધિકારી કે કોન્ટ્રાક્ટર કામ ચાલતું હોય ત્યારે હાજર હોતા નથી. જેના કારણે તકલાદી કામ થતું હોય તેવી અમને ભીતિ છે. આવનારા સમયમાં જો કોઇ અનિચ્છનીય બનાવ બનશે તો જવાબદાર કોણ? તેવા પણ પ્રશ્નો ગ્રામજનો દ્વારા ઉઠાવવામાં આવ્યા છે.

ગ્રામજનો અને રાહદારીઓનું માનવું છે કે, જે કામ છ મહિનાનું છે જેને લંબાવીને દોઢ વર્ષ સુધી લઇ જવાનો અર્થ શું છે. આ બાબતમાં નાયબ કલેક્ટર આર.એન.બી. વિભાગના અધિકારીઓને રજૂઆત પણ કરવામાં આવી છે, પરંતુ જ્યારે રજૂઆત કરે છે ત્યારે નવી સમય મર્યાદા વધારી દેવામાં આવે છે. ગ્રામજનોએ આ નાળાનું કામ તકલાદી થઇ રહ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. આ કામગીરી પૂર્ણ થાય ત્યારે નાળાની ગુણવત્તાની તપાસ કર્યા બાદ જ શરૂ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.