Gujarat

અમદાવાદમાં વિવિધ શહેરોના મેયરો અને તેમના પ્રતિનિધિ મંડળો આવ્યા, શહેરીકરણને લઈને ચર્ચા થશે

આજથી બે દિવસ માટે અમદાવાદમાં ‘નેશનલ અર્બન કોન્ક્લેવ’ તેમજ ‘ મેયોરલ સમિટ’નું આયોજન કરવામાં આવ્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે આ કોન્કલેવનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું.

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, આજે અમદાવાદ વિકાસ કરી રહ્યું છે. અનેક મોટા પ્રોજેક્ટ શહેરમાં આવ્યા છે અને સ્વચ્છ શહેરનો એવોર્ડ મળ્યો છે. આજે મેયર સમિટમાં અનેક આદાન પ્રદાન કરીશું અને વિચાર વિમર્શ કરીશું. મુખ્યમંત્રી આજે આ કાર્યક્રમમાં હાજર રહ્યાં એ બદલ તેમનો આભાર માનું છું.

મહેમાનોને સમિટમાં માત્ર ચર્ચા જ નહી, પરંતુ વિશ્વમાં ઓળખ ધરાવનારા સ્થળો સાબરમતી રિવરફ્રન્ટ, હેરિટેજ સીટી, નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ પણ બતાવીશું. પૂર્વ મ્યુનિસિપલ કમિશનર આઈ.પી. ગૌતમે જણાવ્યું હતું કે, આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે. 1993 સુધી કોઈ સરકારે શહેરીકરણ અંગે વિચાર્યું નહોતું.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે ભારતના શહેરી પરિદ્રશ્યને એક કરવા, નવીનતા લાવવા, નેતૃત્વ કરવા અને પરિવર્તન લાવવા માટે લીડર્સને એકસાથે લાવવાનો છે. આ સમિટ દરમિયાન ભારતીય અને આંતરરાષ્ટ્રીય શહેર મેયર્સ, કમિશનર્સ તેમજ પ્રતિનિધિઓ એકસાથે મળી શહેરોની ભવિષ્યની યોજના પર વિચારવિમર્શ કરશે.