Gujarat

ગાંધીનગરમાં ૮ દેશોના ૩૨ શિબિરાર્થીઓ બન્યા સહભાગી

જૈન શ્વેતામ્બર તેરાપંથ ધર્મસંઘના અગિયારમા અધિશાસ્તા, અહિંસા યાત્રા પ્રણેતા, શાંતિદૂત આચાર્ય મહાશ્રમણજીની પાવન સન્નિધિમાં હાલ આંતરરાષ્ટ્રીય પ્રેક્ષાધ્યાન શિબિરનું આયોજન થઈ રહ્યું છે. આ શિબિરમાં રશિયા, યુક્રેન, સર્બિયા, એસ્ટોનિયા, શ્રીલંકા, નેપાળ સહિત ૮ દેશોના ૩૨ શિબિરાર્થીઓ પ્રેક્ષાધ્યાન દ્વારા આત્માને નિર્મળ બનાવવા માટેનો અભ્યાસ કરી રહ્યા છે.

મંગળવારે ‘વીર ભિક્ષુ સમવસરણ’ ખાતે મુખ્ય પ્રવચન કાર્યક્રમ દરમિયાન આ શિબિરનો વિશેષ મંચીય ઉપક્રમ યોજાયો હતો. આ પ્રસંગે શિબિરાર્થીઓએ પોતાના અનુભવો વહેંચ્યા અને પ્રેક્ષાધ્યાન ગીતનું સામૂહિક સંગાન પણ કર્યું હતું.

આ પ્રસંગે પાવન પ્રેરણા આપતાં મહાતપસ્વી આચાર્ય એ જણાવ્યું કે, “આયારો આગમમાં જણાવવામાં આવ્યું છે કે વિષયાસક્તિથી શરીર નિર્બળ થઈ શકે છે. જો આસક્તિ તેજ બને તો માણસને પોતનાં ઉપર નિયંત્રણ રાખવું મુશ્કેલ બને છે. એ સમયે તે ન ખાવાની વસ્તુ ખાઈ લે છે કે જેટલું ન ખાવું જોઈએ એટલું વધારે ખાઈ લે છે અને અન્ય વિષયોમાં પણ આસક્તિપૂર્વક લિપ્ત થઈ જાય છે. આ આસક્તિનું પરિણામ શરીરમાં દુર્બળતા રૂપે દેખાઈ શકે છે.”

આચાર્ય એ વધુમાં કહ્યું કે, “જીવનમાં સારા કાર્ય કરવા માટે સારું શરીર અને સારો મનોબળ જરૂરી છે. શક્તિ હોય તો તેનો સદુપયોગ સારા કાર્યમાં થવો જોઈએ, ખોટી દિશામાં નહીં. બુદ્ધિનો ઉપયોગ રચનાત્મક કાર્ય માટે થવો જોઈએ.”