Gujarat

45 ઘરના ગામમાં રસ્તા-પાણી નથી, આંદોલનની ચેતવણી

 

અબડાસા તાલુકાના સદિરાવાંઢ ગામમાં આજે પણ મૂળભૂત સુવિધાઓનો અભાવ છે. માત્ર 45 ઘર ધરાવતા આ ગામમાં પાક્કો રસ્તો, વીજળી અને શુદ્ધ પીવાનું પાણી જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ ના હોવાની ફરિયાદ સામે આવી છે.

ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામની મહિલાઓને પાણી માટે કિલોમીટરો દૂર સુધી જવું પડે છે. જંગડીયા ડેમ મારફતે મળતા પાણીમાં નજીકની ખાનગી એકમની ગટર લાઈનોનું કેમિકલયુક્ત પાણી મળે છે. આના કારણે ગામના બાળકો અને વડીલોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડી રહી છે.

આ બાબતે બહુજન આર્મીના સંસ્થાપક લખનભાઈ ધુંવાએ ગામની મુલાકાત લીધી હતી. તેમણે તંત્રને એક મહિનાનું અલ્ટિમેટમ આપ્યું છે. જો આ સમયમાં પાણી અને રસ્તાની સમસ્યાનું સમાધાન નહીં થાય તો આસપાસના 14 ગામના લોકો સાથે હાઈવે પર ચક્કાજામ કરવાની ચેતવણી આપી છે.

મુલાકાત દરમિયાન લખનભાઈ ધુંવા, દિવ્યરાજસિંહ જાડેજા, મનજીભાઈ મહેશ્વરી, હરેશભાઈ અને અન્ય ગ્રામજનો હાજર રહ્યા હતા. તેમણે ચૂંટાયેલા પ્રતિનિધિઓને ગામની મુલાકાત લેવા અને સમસ્યાનું નિરાકરણ લાવવા અપીલ કરી છે. જો તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં નહીં લેવાય તો વ્યાપક આંદોલન કરવાની તૈયારી હોવાનું કહ્યું છે.