Gujarat

પાલીતાણાના ઠાડચ ગામેથી ₹3.56 લાખનો વિદેશી દારૂ-બિયર ઝડપાયો, ત્રણ બુટલેગર ફરાર

પાલીતાણા ગ્રામ્ય પોલીસે ગઈકાલે રાત્રે ચોક્કસ બાતમીના આધારે ઠાડચ ગામમાં દરોડો પાડ્યો હતો. પોલીસે હરેશ હિંમત મકવાણાના મફતનગર પ્લોટ વિસ્તારમાં આવેલા મકાનમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.

પોલીસે આ કાર્યવાહી દરમિયાન ઇંગ્લિશ દારૂની 750 મિલીની 341 બોટલ કિંમત ₹1,73,170, ચપટી બોટલ 1,288 નંગ કિંમત ₹1,79,880 અને બિયરના 24 ટીન કિંમત ₹3,120 મળી કુલ ₹3,56,170નો મુદ્દામાલ કબજે કર્યો છે.

દરોડા દરમિયાન આરોપી હરેશ હિંમત મકવાણા, મહેશ રામજી મકવાણા અને અરવિંદ અજય મકવાણા ફરાર થઈ ગયા હતા. પાલીતાણા ગ્રામ્ય પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી છે.