Gujarat

આજે ગાંધી નિર્વાણ દિન સાથે સાથે સાવરકુંડલાના શિલ્પી એવા પૂ. લલ્લુભાઈ શેઠની પુણ્યતિથિ પણ.. વિચારોના સંવર્ધન માટે મનન અને ચિંતનનો વિષય

આજરોજ ગાંધી નિર્વાણ દિન અને સાવરકુંડલાના શિલ્પી એવા પૂ. લલ્લુભાઈ શેઠની પૂણ્યતિથિ નિમિત્તે અહીં સાવરકુંડલાના કે. કે. હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં આવેલ શ્રી લલ્લુભાઈ શેઠ સ્મૃતિ મંદિર ખાતે સવારે ૮-૩૦ કલાકે સવારની પ્રાર્થના અને આ બંને દિવંગત મહાનુભાવો વિશે તથા વર્તમાન સમયમાં ગાંધીજીની પ્રસ્તુતિ વિશે વાતો કરવાનો કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમના નિમંત્રક તરીકે શ્રી કુંડલા ગ્રામ સેવા મંડળ તથા શ્રી લલ્લુભાઈ શેઠ પ્રેરિત સંસ્થાનાઓની સંકલન સમિતિ દ્વારા શહેરના લોકોને ઉપસ્થિત રહેવા મોટી મોટી જાહેરાતો દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવેલ.
તો સાંજની પ્રાર્થના અહીં ખાદી કાર્યાલય ખાતે યોજાઈ. આ બંને મહાન વિભૂતિને શ્રધ્ધાંજલી અર્પણ કરવા તેમજ તેના સિધ્ધાંતોને ચરિતાર્થ કરવા માટે યોજાયેલ આ કાર્યક્રમમાં ખૂબ જૂજ સંખ્યામાં જનસમૂહ ઉપસ્થિતિની બાબત ખરેખર ચિંતાપ્રેરક ગણાય. હા, કોઈ રાજનેતાએ બોલાવેલ મિટિંગ હોય કે કોઈ ચિંતન શિબિર હોય તો વિશાળ સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહે છે. એટલે ધીમે ધીમે અને દિવસે દિવસે પૂ. મહાત્મા ગાંધી કે પ. પૂ. લલ્લુભાઈ શેઠની પુણ્યતિથિ નિમિત્તે ઉપસ્થિત લોકોની ઘટતી સંખ્યા એ ખરેખર ગાંધી વિચારના પોષણ માટે ચિંતાનો વિષય ગણાય. હવે ગાંધી વિચાર અને લલ્લુભાઈ શેઠની વિચારધારાને વેગ આપના શું કરવું જોઈએ? એ સંદર્ભે પણ મનોમંથન કરવું જરૂરી છે.
વિશ્ર્વ જેને વંદન કરે છે તેવી મહાન વિભૂતિની ખાલી ખૂબસૂરત વાતો જ નહીં પરંતુ એનો વ્યાપ કેમ વધુમાં વધુ વિસ્તારિત થાય એ માટે કેવા કેવા કોંક્રીટ પગલાં લેવા જોઈએ? એ પણ આ વિચારના સમર્થકોએ ખૂબ ગંભીરતાથી વિચારવું જોઈશે અને તેને પરિણામની લક્ષ સુધી પહોચાડવું એ જ સાચી શ્રદ્ધાંજલિ હોય શકે..
બિપીન પાંધી સાવરકુંડલા