Gujarat

ખેડબ્રહ્મા-અંબાજી હાઇવે પર હિંગટીયા નજીક ત્રિપલ અકસ્માતની ઘટના; ૬ના મોત, ૭ ઇજાગ્રસ્ત

સાબરકાંઠાનાં ખેડબ્રહ્મા-અંબાજી હાઇવે પર હિંગટીયા નજીક ત્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. બસ-જીપ અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક બાળકી સહિત કુલ ૬ લોકોના મોત નીપજ્યા છે, જેમાં ૪ લોકોનું ઘટના સ્થળે, જ્યારે ૨નું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાની માહિતી મળી છે. આ ઘટનામાં ૭ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે.

આ અકસ્માત અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ખેડબ્રહ્મા-અંબાજી હાઇવે પર અંબાજી-વડોદરા રૂટની બસને હિંગટીયા નજીક અકસ્માત નડ્યો છે. બસ-જીપ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા એક બાળકી સહિત ૬ લોકોના કરૂણ મોત નીપજ્યા છે. મૃતકોની ઓળખ પોપટભાઈ તરાલ , સાયબાભાઈ બેગડીયા, અજયભાઈ ગમાર, અને મંજુલાબેન બેગડીયા (બાળકી) તરીકે કરવામાં આવી છે. જ્યારે એક વ્યક્તિને સારવાર અર્થે ખસેડતી વખતે રસ્તામાં જ અને એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તો બીજી તરફ ૭ લોકોને ઇજા પહોંચી હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે.

ઉલ્લેખનીય છે કે મોતને ભેટેલા મોટાભાગના મુસાફરો જીપમાં સવાર હતા, અકસ્માત એટલો ભયંકર હતો કે જીપનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યારે મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોને ત્વરિત સારવાર અર્થે ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં ખેરોજ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહોને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ગોઝારા ત્રિપલ અકસ્માતને પગલે થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી.