Gujarat

ખુલ્લામાં તલવાર સાથે રીલ બનાવનાર બે શખસોને ઝડપ્યા, બે કાન પકડી માફી મગાવી, હથિયાર કબજે કર્યું

વડોદરા શહેરમાં કાયદો વ્યવસ્થાને નેવે મૂકી કેટલાક શખસો પોતાના મોજશોખ અને સોશિયલ મીડિયામાં છવાઈ જવા માટે ભાન ભૂલી ગમે ત્યાં ગમે તે હથિયાર સાથે રીલ બનાવી પોસ્ટ કરતા હોય છે.

ત્યારે કુંભારવાડા પોલીસ મથક હદ વિસ્તારમાં વધુ એક તલવાર હાથમાં લઈ ચેલેન્જ ફેંકતો બે ઇસમોનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા પોલીસે ગણતરીના કલાકોમાં જ બે આરોપીને ઝડપી કાન પકડાવ્યા હતા અને હથિયાર ધારા હેઠળ ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલા વીમા દવાખાના પાછળ આવેલા ખારી તલાવડી ભૂંડવાળા વિસ્તારમાંથી એક વીડિયો વાઇરલ થયો હતો. લોખંડની તલવાર હાથમાં લઇ બે શખસો જસપાલસીંગ માયાસીંગ દુધાણી (ઉંમર વર્ષ 19), સુરજસીંગ માયાસીંગ દુધાણી (ઉંમર વર્ષ 20) (બંને રહે વારસિયા વીમા દવાખાનાની પાછળ ખારી તલાવડી ભૂંડવાળા વડોદરા)એ રીલ બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કરી હતી.

સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ કરી ચેલેન્જ ફેંકનાર બે ઈસમોને કુંભારવાડા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા. જે બાદ બંનેને કાન પકડાવી માફી મંગાવી હતી અને લોખંડની તલવાર કબજે કરી હતી.