International

ફરી એકવાર ઈઝરાયલ દ્વારા ગાઝા પર ભયાનક હવાઈ હુમલો કરવામાં આવ્યો

ઈઝરાયલના ગાઝા પરના હુમલામાં ૬૫ પેલેસ્ટિનિયનના મોત, ૧૫થી વધુ ઘાયલ

ઈઝરાયલની સેન દ્વારા ફરી એકવાર મોડી રાત્રે અને વહેલી સવારે ગાઝામાં ભયાનક હવાઈ હુમલો કર્યો છે. જેમાં ૬૫ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૨ બાળકો માર્યા ગયા છે. અમેરિકાની મધ્યસ્થીમાં હમાસ તરફથી એક ઈઝરાયલી-અમેરિકી બંધકને મુક્ત કરાવ્યાના એક દિવસ બાદ ઈઝરાયલે આ હુમલા કર્યા છે.

ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ જણાવ્યું હતું કે, એવી કોઈ રીત નથી, જેનાથી ઈઝરાયલ ગાઝામાં પોતાનું યુદ્ધ રોકી શકે. આ નિવેદન સાથે બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. ઈઝરાયલની સેનાએ હુમલા અંગે ટીપ્પણી કરવાનો ઈનકાર કર્યો છે. ઈઝરાયલે ગઈકાલે મોડી રાત્રે જબલિયાના રહેવાસીઓને વિસ્તાર ખાલી કરવાની ચેતવણી આપી હતી. ત્યારબાદ હમાસના માળખાગત ઢાંચાને ટાર્ગેટ બનાવી હુમલાઓ શરૂ કર્યા હતાં.

ખૂબ મહત્વનું છે કે, રશિયા, ચીન અને યુકેએ ગાઝામાં સહાય વિતરણ માટે યુએસ-ઇઝરાયલની યોજનાને નકારી કાઢી છે, તેના બદલે ઇઝરાયલને ગાઝા પરનો બે મહિનાથી લાગુ નાકાબંધી હટાવવા અપીલ કરી છે. સાઉદી અરેબિયાની મુલાકાત લેવા જઈ રહેલા યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, તેઓ ગાઝામાં સંઘર્ષને શક્ય તેટલી વહેલી તકે સમાપ્ત કરવા માટે કામ કરી રહ્યા છે.ઉલ્લેખનીય છે, ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ આ યુદ્ધને રોકવા માગતા નથી. તેઓ હમાસને ખતમ કરી દેવાનું નિવેદન આપી રહ્યા છે.

ગાઝાના આરોગ્ય મંત્રાલય અનુસાર,ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં ઓછામાં ઓછા ૫૨,૯૦૮ સ્થાનિકો માર્યા ગયા છે અને ૧૧૯,૭૨૧ ઘાયલ થયા છે. સરકારી મીડિયા ઓફિસે મૃત્યુઆંક ૬૧,૭૦૦ દર્શાવ્યો છે. વધુમાં જણાવ્યું હતું કે, કાટમાળ નીચે ગુમ થયેલા હજારો લોકોને પણ મૃત જાહેર કરવામાં આવ્યા છે.