નડિયાદની તત્કાલિન પાલિકા દ્વારા સીટી બસનું સ્ટેન્ડ અને કમર્શિયલ કોમ્પલેક્ષ બનાવવા માટે રેલ્વે સ્ટેશનની સામે આવેલી સબ જેલથી લઇને ટાઉન હોલ સુધીના પટ્ટા પર જેટલું પણ બાંધકામ હતું તે સંપૂર્ણત: તોડી પાડવામાં આવ્યું હતું.
બાદમાં આ જગ્યાએ ખાનગી વાહનોનું પાર્કિંગ, દબાણ અને અસામાજિક તત્વોનો અડ્ડો બનતાં અંતે મનપા દ્વારા હાલમાં ફેન્સીંગ મારીને આ આખા વિસ્તારને કોર્ડન કરી લેવાયો છે.
નડિયાદની તત્કાલિન પાલિકા દ્વારા રેલ્વે સ્ટેશનની સામે આવેલ જૂની સબ જેલને તોડીને ત્યાં સીટી બસનું બસ સ્ટેન્ડ અને કમર્શિયલ કોમ્પલેક્ષ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, બાદમાં સબ જેલની બાજુમાં આવેલી સાહિત્યકારોના સરનામાની ઓફિસ, 13 દુકાનો અને અંતે ટાઉન હોલને પણ તોડી પાડવામાં આવ્યો હતો.
આ ખુલ્લી થયેલી જગ્યામાં ખાનગી વાહનોના પાર્કિંગ ઉપરાંત લારી-ગલ્લાના દબાણ પણ સતત ખડકાયેલાં જોવા મળતાં હતા. આ સિવાય આ જગ્યા અસામાજિક તત્વોનો અડ્ડો પણ બનવા લાગી હતી. જેને લઇને મહાપાલિકા દ્વારા ફેન્સીંગ મારીને આ જગ્યાને કોર્ડન કરી લેવામાં આવી છે.