International

ટેરિફ વોરમાં આવ્યો વિરામ!!! યુએસ અને ચીન ૯૦ દિવસ માટે પરસ્પર ટેરિફ ૧૧૫% ઘટાડવા સંમત થયા

અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરના સમાધાન મુદ્દે ચાલી રહેલી બે દિવસીય વાતચીતના અંતમાં બન્ને દેશોએ એકબીજા પર લાદેલા રેસિપ્રોકલ ટેરિફમાં ઘટાડો કરવા સહમતિ દર્શાવી છે. બંનેએ ૯૦ દિવસ માટે લાગુ ટેરિફમાં ૧૧૫ ટકા સુધીનો ઘટાડો કર્યો છે.

ચીને મંત્રણાઓ વચ્ચે અમેરિકાની પ્રોડક્ટ્સ પર લાગુ રેસિપ્રોકલ ટેરિફ ૧૨૫ ટકાથી ઘટાડી ૧૦ ટકા કર્યો છે. જ્યારે અમેરિકાએ ચીનની પ્રોડક્ટ્સ પર ટેરિફ ૧૪૫ ટકાથી ઘટાડી ૩૦ ટકા કરવા સહમતિ દર્શાવી છે. આ સમજૂતી પ્રારંભિક ધોરણે ૯૦ દિવસ સુધી લાગુ રહેશે.

ચીનના વાઈસ પ્રીમિયર હી લિફેંગ અને યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે સંયુક્ત નિવેદનમાં જણાવ્યું કે, બંને દેશોએ આ ર્નિણય પર સહમતિ દર્શાવી છે. તેમજ આર્થિક અને વેપાર સંબંધો મુદ્દે ચર્ચાઓ જારી રહેશે. બંને દેશો ચીન અને અમેરિકામાં વૈક્લપિક ધોરણે ચર્ચાઓ કરી શકે છે. જેમાં જાે જરૂર પડે તો આર્થિક અને વેપાર મુદ્દાઓ સંબંધિત ભલામણોને ધ્યાનમાં લઈ શકે છે.

થોડા દિવસો અગાઉ અમેરિકી પ્રમુખ ટ્રમ્પ દ્વારા ચીન સહિત અન્ય દેશો અમેરિકા સાથે અન્યાય કરી રહ્યા હોવાના દાવા સાથે ચીન સહિત વિવિધ દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. જેમાં ચીન પર સૌથી વધુ ટેરિફ લાદ્યો હતો. ચીને પણ આ ટેરિફનો સામો જવાબ આપતાં અમેરિકાની પ્રોડક્ટ્સ પર ટેરિફ લાદ્યો હતો. બંને દેશો એક પછી એક એમ એકબીજા પર ટેરિફ વધારી રહ્યા હતા. ગત મહિને ટ્રમ્પે ચીનની પ્રોડ્કટ્સ પર ૧૪૫ ટકા ટેરિફ લગાવ્યો હતો. જ્યારે ચીને અમેરિકા પર ૧૨૫ ટકા ટેરિફ લાગુ કર્યો હતો.