ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારથી અમેરિકાના રાષ્ટ્રપતિ પદના ફરી એક વાર શપથ લીધા છે ત્યારથી તેઓ દ્વારા અમુક કિસ્સાઓમાં ખુબજ ઝડપી પગલાં લવાઈ રહ્યા છે, જેમાં આ વખતે ટ્રમ્પે કોલંબિયા પર ટેરિફ અને ટ્રાવેલ પ્રતિબંધ લાદ્યો, જેના જવાબમાં કોલંબિયાએ પણ અમેરિકા પર ટેરિફ લાદી પરંતુ થોડા કલાકોમાં પીછેહઠ કરી.
ટ્રમ્પનું કહેવું છે કે કોલંબિયાએ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સથી ભરેલા બે અમેરિકન જહાજાે પરત કર્યા છે, ત્યારબાદ તેમની સામે ટેરિફ અને વિઝા પ્રતિબંધ લગાવીને કાર્યવાહી કરવામાં આવી રહી છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનું કહેવું છે કે કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોના આ ર્નિણયથી અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષામાં ખલેલ પડી છે. ટ્રમ્પે યુએસ બજારોમાં તમામ કોલમ્બિયન ઉત્પાદનો પર ૨૫ ટકા ઇમરજન્સી ટેરિફ લાદી છે, જે એક સપ્તાહની અંદર વધીને ૫૦ ટકા થઈ શકે છે. આ સિવાય કોલંબિયા સરકારના અધિકારીઓ અને સહયોગીઓ પર પણ વિઝા પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. ટ્રમ્પે કહ્યું કે આ તો માત્ર શરૂઆત છે. અમે કોલંબિયાની સરકારને મનસ્વી રીતે કામ કરવાની મંજૂરી આપીશું નહીં. સરકારે જે ગુનેગારોને અમેરિકા મોકલ્યા છે તેમને પાછા લેવા પડશે.
પણ હવે એવા સમાચાર મીડિયા સૂત્રો દ્વારા પ્રાપ્ત થયા છે કે કોલંબિયા તેના નાગરિકોને પરત લાવવા હોન્ડુરાસમાં રાષ્ટ્રપતિનું વિમાન મોકલશે. કોલંબિયાના રાષ્ટ્રપતિનું કહેવું છે કે તેઓ તેમના નાગરિકોને અત્યંત સન્માન સાથે પાછા લાવવા જઈ રહ્યા છે.
કોલંબિયા સરકારે માઈગ્રન્ટ્સથી ભરેલી યુએસ આર્મીની બે ફ્લાઈટને ઉતરવાની મંજૂરી આપી ન હતી. રાષ્ટ્રપતિ પેટ્રોએ કહ્યું કે ટ્રમ્પનું વર્તન યોગ્ય નથી. અમેરિકા ઇમિગ્રન્ટ્સ સાથે ગુનેગારો જેવું વર્તન કરી શકે નહીં. સ્થળાંતર કરનારાઓને માત્ર સિવિલ એરક્રાફ્ટમાં કોલંબિયા આવવાની મંજૂરી આપવામાં આવશે. સ્થળાંતર કરનારાઓ સાથે આદર અને ગૌરવ સાથે વ્યવહાર થવો જાેઈએ.