National

12 રાજ્યોના 50,000 ગામોને વર્ચ્યુઅલ રીતે જોડાશે; પશ્ચિમ બંગાળ, બિહાર, નાગાલેન્ડ અને મેઘાલય આ યોજનામાં નહીં

PM મોદી શનિવારે 10 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં 65 લાખ સ્વામિત્વ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરશે. પીએમ મોદી આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે હાજરી આપશે, જ્યારે 13 કેન્દ્રીય મંત્રીઓ કાર્યભાર સંભાળશે. ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ, સંબંધિત રાજ્યોના મંત્રીઓ અને પંચાયત પ્રતિનિધિઓ પણ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે ભાગ લેશે.

જે 12 રાજ્યોમાં આ કાર્ડનું વિતરણ કરવામાં આવનાર છે તેમાં 230 જિલ્લાના 50 હજારથી વધુ ગામોનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં 1.53 લાખથી વધુ ગામો માટે લગભગ 2.25 કરોડ પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે.

સ્વામિત્વ યોજના એપ્રિલ 2020માં શરૂ કરવામાં આવી હતી. તેનું આખું નામ સરવે ઓફ વિલેજ એન્ડ મેપિંગ વિથ ઈમ્પ્રુવાઇઝ્ડ ટેકનોલોજી ઇન વિલેજેસ એરિયાઝ છે. તેનો ઉદ્દેશ્ય ગ્રામવાસીઓને મિલકતોના માલિકી હક્કો આપવાનો છે.

31 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો આ યોજનામાં સામેલ છે. તેમાંથી સિક્કિમ, તેલંગાણા અને તમિલનાડુ માત્ર પાયલોટ તબક્કામાં હતા. પશ્ચિમ બંગાળ, બિહાર, નાગાલેન્ડ અને મેઘાલય આ યોજનામાં સામેલ નથી.

સ્વામિત્વ યોજના: આ યોજના ત્રિપુરા, ગોવા, ઉત્તરાખંડ અને હરિયાણામાં સંપૂર્ણ રીતે લાગુ કરવામાં આવી છે. મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢ અને કેટલાક કેન્દ્રશાસિત પ્રદેશોમાં ડ્રોન સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે.

કાર્યક્રમ હેઠળ, છત્તીસગઢ, ગુજરાત, હિમાચલ, એમપી, મહારાષ્ટ્ર, મિઝોરમ, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, યુપી અને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના મિલકત માલિકોને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવશે.

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય?

  • કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી આ યોજનાનો મુખ્ય હેતુ રૂરલ પ્લનિંગ તૈયાર કરવાનો અને જમીનોના સચોટ રેકોર્ડ તૈયાર કરવાનો છે. આ સિવાય મિલકત સંબંધિત વિવાદોમાં ઘટાડો કરવાનો છે
  • ગ્રામીણ ભારતમાં નાગરિકોને લોન અને અન્ય નાણાકીય લાભો મેળવવા માટે તેમની મિલકતનો નાણાકીય સંપત્તિ તરીકે ઉપયોગ કરવા સક્ષમ બનાવીને નાણાકીય સ્થિરતા લાવવાનો છે.
  • આ યોજનામાંથી મળનાર પ્રોપર્ટી ટેક્સનો લાભ સીધો ગ્રામ પંચાયતોને મળશે. અથવા ટેક્સ રાજ્યની તિજોરીમાં જશે. આનાથી રાજ્યોને પણ આર્થિક ફાયદો થશે.
  • આ યોજના દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્વે કરવામાં આવશે અને GIS મેપિંગ પણ કરવામાં આવશે. આનો ઉપયોગ વિભાગો દ્વારા કરી શકાય છે.
  • આ યોજનાનો ઉદ્દેશ GIS મેપિંગનો ઉપયોગ કરીને સારી ગુણવત્તાવાળી ગ્રામ પંચાયત વિકાસ યોજના (GPDP) તૈયાર કરવામાં મદદ કરવાનો છે.