પર્યટકોને લઈ જતી ગાડી ખીણમાં ખાબકતા, ૩ના મોત, ૧૪ ઘાયલ
જમ્મુ- કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના ગુંડ કંગન વિસ્તાર નજીક એક ભયંકર માર્ગ અકસ્માતમાં પર્યટકોને લઈને જઈ રહેલી એક ગાડી ઊંડી ખીણમાં ખબકટ ત્રણ લોકોના કરૂણ મોત થયા હતા અને ૧૪ લોકો ઘાયલ થયા હતા.
આ અકસ્માત અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, ટોયોટા કંપનીની ઇટિઓસ ગાડી બસ સાથે અથડાતાં આ ભયાનક અકસ્માત થયો હતો. આ દરમિયાન બસે કાબુ ગુમાવી દીધો હતો જેના કારણે બસ ખાડામાં પડી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ત્રણ પ્રવાસીઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે ૧૪ લોકો ઘાયલ થયા હતાં. જેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું સૂત્રો દ્વારા કહેવાય છે. દુર્ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને રાહત ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.
જાેકે, હજુ સુધી ઘાયલોની ઓળખ થઈ શકી નથી. પરંતુ અધિકારીઓનું કહેવું છે કે, તમામ ઘાયલ મુસાફરોની સારવાર ચાલી રહી છે. પ્રાથમિક તપાસ પ્રમાણે કારની સ્પીડ વધારે હતી અને વરસાદને કારણે રસ્તો ભીનો હતો, જેના કારણે આ અકસ્માત થયો હોવાનું કહેવાય છે.