નક્સલવાદીઓની વધુ એક નાપાક હરકત સામે આવી હતી જેમાં, ઝારખંડના ચાઈબાસા જિલ્લામાં નક્સલીઓ દ્વારા જમીનમાં છુપાયેલો IED બ્લાસ્ટ થતાં સીઆરપીએફ કોબરા બટાલિયનના એક આસિસ્ટન્ટ કમાન્ડન્ટ સહિત સુરક્ષા દળના ત્રણ જવાનો ઘાયલ થયા છે. ઘાયલોને એરલિફ્ટ કરીને તુરંત રાંચીની હોસ્પિટલમાં લઈ જવાયા છે.
વાસ્તવમાં સુરક્ષા દળના જવાનો અને પોલીસની સંયુક્ત ટીમ જરાઈકેલા પોલીસ સ્ટેશન વિસ્તારના બલીબામાં નક્સલીઓ વિરુદ્ધના અભિયાન હેઠળ સર્ચ ઓપરેશન કરી રહી હતી. આ દરમિયાન જમીનમાં છુપાવેલો બોંબ અચાનક વિસ્ફોટ થયો હતો. તપાસ કરવામાં આવતા IED બ્લાસ્ટ થયો હોવાનો ખુલાસો થયો છે.
આ ઘટના બાબતે ચાઈબાસા એસ.પી.આશુતોષ શેખરે ઘટનાની પુષ્ટી કરતા કહ્યું કે, નક્સલીઓ વિરુદ્ધ સતત અભિયાન ચાલી રહ્યું છે. આ દરમિયાન એક આઈડીડીમાં ધડાકો થવાની ઘટના બની છે. વિસ્ફોટની ઝટેપમાં આવેલા ઘાયલ સીઆરપીએફના આસિસ્ટન્ટ કમાન્ટન્ડ અને બે જવાનોને તાત્કાલિક હેલિપેડ સુધી લવાયા છે અને ત્યારબાદ તેમને હેલીકોપ્ટર દ્વારા રાંચીની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૧૦ દિવસમાં ચાઈબાસા પોલીસ અને સુરક્ષા દળો દ્વારા નક્સલીઓના ત્રણ ઠેકાણાને ધ્વસ્ત કર્યા છે અને આ દરમિયાન અનેક હથિયારોનો જથ્થો મળી આવ્યો છે. સર્ચ ઓપરેશન કરી રહેલા જવાનોએ મંગળવારે હુસિપી જંગલમાં એક કેમ્પને ધ્વસ્ત કર્યું હતું. આ દરમિયાન મળી આવેલા ૧૦-૧૦ કિલોગ્રામના બે આઈડી નિષ્ક્રિય કરાયા હતા. કેમ્પમાંથી એક દેશી પિસ્તોલ, બે કાર્બાઈન, એક રાઈફલ, ૧૦ કિલો આઈઈડી, ૫૮ ડેટોનેટર સહિત અન્ય હથિયારો જપ્ત કરવામાં આવ્યા હતા.