National

૬૦૦૦ કરોડના ઓનલાઇન સટ્ટા કૌભાંડમાં સીબીઆઈ દ્વારા છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલનું નામ એફઆઇઆરમાં સામેલ કર્યું

છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ ને વધુ એક મોટો ઝટકો

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશને મહાદેવ એપ કૌભાંડમાં તેમને આરોપી બનાવાયા છે. ૬૦૦૦ કરોડના ઓનલાઇન સટ્ટા કૌભાંડથી જાેડાયેલા કેસમાં સીબીઆઇએ બઘેલનું નામ એફઆઇઆરમાં સામેલ કર્યું છે. આ ઘટનાક્રમ એવા સમયે થયો છે જ્યારે એક અઠવાડિયા પહેલા એજન્સીએ ચાર રાજ્યોમાં ૬૦ ઠેકાણા પર દરોડા પાડ્યા હતા. જેમાં બધેલનું આવાસ, અમુક અમલદાર અને પોલીસ અધિકારીઓના ઘર સામેલ હતા.

આ ઘટનાની એફઆઇઆરમાં કહેવામાં આવ્યું છે કે મહાદેવ બુક એપના માલિકોએ પોલીસ અધિકારીઓ, વહીવટી અધિકારીઓ અને પ્રભાવશાળી રાજકીય વ્યક્તિઓને પ્રોટેક્શન મની તરીકે મોટી રકમ આપી. જેથી તેમની ગેરકાયદે પ્રવૃત્તિઓ વિરુદ્ધ એક્શન લેવામાં ન આવે. આ રૂપિયા હવાલા દ્વારા પોલીસ અને તંત્રના અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવતા હતા અને પછી વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને પ્રભાવશાળી રાજકીય વ્યક્તિઓ સુધી પહોંચાડતા હતા. આ રીતે ઘણા પોલીસ અને તંત્રના અધિકારીઓએ પોતાને ફાયદો પહોંચાડવા માટે પોતાના પદનો દુરુપયોગ કર્યો. એજન્સીએ ૧૮ ડિસેમ્બર ૨૦૨૪એ આ મામલે એફઆઇઆર નોંધાવી હતી.

મહત્વનું છે કે, તાજેતરમાં જ ઈડીએ કથિત દારૂ કૌભાંડ મામલે બઘેલના આવાસ પર દરોડા પાડ્યા હતા. રાજ્ય સરકારે ગયા વર્ષે સીબીઆઈને કથિત મહાદેવ કૌભાંડથી સંબંધિત વિભિન્ન પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ૭૦ કેસ અને રાજ્યમાં ઈઓડબ્લ્યૂ માં નોંધાયેલો એક કેસ સોંપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ઈડી મહાદેવ એપથી જાેડાયેલા મની લોન્ડરિંગ મામલાની તપાસ કરી રહી છે. જેનો ખુલાસો રાજ્યમાં છેલ્લી કોંગ્રેસ સરકાર દરમિયાન થયો હતો. ઈડીએ પહેલા પણ રાજ્યમાં આ મામલે ઘણા દરોડા પાડ્યા હતા અને ગેરકાયદેસર સટ્ટાબાજી અને ગેમિંગ એપના બે મુખ્ય પ્રમોટર્સ સૌરભ ચંદ્રાકાર અને રવિ ઉપ્પલ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી.

મહાદેવ બેટિંગ એપ ઓનલાઈન સટ્ટાબાજી માટે બનાવવામાં આવી હતી. તેની પર યુઝર્સ પોકર જેવા કાર્ડ ગેમ્સ અને અન્ય ગેમ રમી શકતાં હતાં. આ એપ દ્વારા ક્રિકેટ, ફુટબોલ, બેડમિન્ટન, ટેનિસ, જેવી રમતોમાં સટ્ટાબાજી પણ કરવામાં આવતી હતી. તેની શરૂઆત ૨૦૧૯એ છત્તીસગઢના ભિલાઈના રહેવાસી સૌરભ ચંદ્રાકારે કરી હતી.