ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતની મોટી જાહેરાત
સ્થાનિક રહેવાસીઓ અને પ્રવાસીઓને થતી હેરાનગતિને રોકવા માટે કેટલાક સેફ્ટી રુલ્સની જાહેરાત
ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે સ્થાનિક રહેવાસીઓ અને પ્રવાસીઓ બંનેની હેરાનગતિને રોકવા માટે કેટલાક સેફ્ટી રુલ્સની જાહેરાત કરી હતી. ગોવામાં નવા કાયદાઓ (ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ) ના અમલીકરણની સમીક્ષા કરવા માટે ઉચ્ચ કક્ષાના અધિકારીઓની બેઠકની અધ્યક્ષતા કર્યા પછી પોર્વોરિમમાં મંત્રાલય (સચિવાલય) ખાતે પ્રેસ વાર્તા દરમિયાન સીએમ સાવંતે જાહેરાત કરી હતી.
મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે એમ પણ કહ્યું હતું કે, રાજ્યમાં પ્રવેશતા તમામ પ્રવાસી વાહનોની રાજ્ય સરહદે સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. જાે તેઓ રસ્તાના કિનારે રસોઈ બનાવતા જાેવા મળશે, તો તેમના ગેસ સ્ટવ અને સિલિન્ડર જપ્ત કરવામાં આવશે અને તેમના વાહનોને દંડ કરવામાં આવશે.
વધુમાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ભીખ માંગવા, બીચ મસાજ અને પિમ્પિંગ જેવી પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે. ગોવાની ખુલ્લી જગ્યાઓ પર ફરતા માલિશ કરનારાઓ પ્રવાસીઓને માલિશ કરે છે, પ્રવાસીઓને હેરાન કરતા ભિખારીઓ અને પર્યટન ક્ષેત્રમાં કાર્ય કરતા દલાલો પર પણ કાર્યવાહી કરવામાં આવશે.
તેમજ મુખ્યમંત્રી સાવંતે જણાવ્યું હતું કે, હવે માત્ર બોડી કેમેરાવાળા પોલીસ ઈન્સ્પેક્ટર જ દિવસ દરમિયાન ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ પર ચલણ (દંડ) ઈશ્યુ કરી શકશે. તેમણે જણાવ્યું હતું કે રાત્રિના સમયે, ફક્ત પોલીસ ઇન્સ્પેક્ટર અથવા સબ-ઇન્સ્પેક્ટર તેમના યુનિફોર્મ પર કેમેરા પહેરીને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને ચલણ આપી શકશે. નવો નિયમ શુક્રવાર (૪ એપ્રિલ)થી લાગુ થઈ ગયો છે.