બિહાર વિધાનસભામાં નાણામંત્રી સમ્રાટ ચૌધરીએ કુલ ૩ લાખ ૧૭ હજાર કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું હતું, આ વર્ષનું બજેટ ગયા વર્ષ કરતા ૩૮ હજાર ૧૬૭ કરોડ રૂપિયા વધુ છે. બજેટ રજૂ કરતી વખતે નાણાપ્રધાન સમ્રાટ ચૌધરીએ કહ્યું કે આ વર્ષનું બજેટ ૩.૧૭ લાખ કરોડ રૂપિયા છે, જ્યારે ૨૦૦૫ પહેલા બજેટ માત્ર ૨૩ હજાર કરોડ રૂપિયા હતું.
o બિહાર બજેટમાં કયા વિભાગને કેટલા ફાળવવામાં આવ્યા- આરોગ્ય વિભાગ – ૨૦,૩૩૫ કરોડ રૂપિયા
o શહેરી અને ગ્રામીણ રસ્તાઓ – ૧૭,૯૦૮ કરોડ રૂપિયા
o ગૃહ વિભાગ – ૧૭,૮૩૭ કરોડ રૂપિયા
o ગ્રામીણ વિકાસ વિભાગ – ૧૬,૦૯૩ કરોડ રૂપિયા
o ઉર્જા વિભાગ – ૧૩,૪૮૩ કરોડ રૂપિયા
નાણામંત્રીએ કહ્યું કે બજેટનું કદ સતત વધી રહ્યું છે અને બિહાર પણ વધી રહ્યું છે આનાથી બિહારના વિકાસને વેગ મળશે. તેમણે કહ્યું કે આ વર્ષનું બજેટ ગત વર્ષના બજેટ કરતા ૩૮,૧૬૯ કરોડ રૂપિયા વધુ છે. આ બજેટ બિહારના તમામ ગરીબો, યુવાનો, મહિલાઓ, ખેડૂતો અને વૃદ્ધોની આકાંક્ષાઓનું બજેટ છે. બજેટમાં મહિલાઓ માટે પણ ખાસ જાહેરાતો કરવામાં આવી છે.
સાથેજ તેમણે કહ્યું હતું કે, રાજ્યના તમામ જિલ્લાઓમાં બસ સ્ટેન્ડને તબક્કાવાર રીતે આધુનિક રીતે વિકસાવવામાં આવશે અને રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવ નક્કી કરીને રાષ્ટ્રીય સહકારી ગ્રાહક સંઘ, NAFED વગેરે સાથે સંકલન કરવામાં આવશે. રાજ્યના તમામ સબ-ડિવિઝન અને બ્લોકમાં તબક્કાવાર કોલ્ડ સ્ટોરેજ સ્થાપિત કરવામાં આવશે.
વધુમાં નાણામંત્રી સમ્રાટ ચૌધરીએ જણાવ્યું કે મહિલા સૈનિકો માટે રહેણાંક સુવિધાઓ અને ગરીબ કન્યાઓ માટે લગ્ન મંડપ સાથે, બિહારમાં વિકાસ અને સન્માનનો એક નવો અધ્યાય લખાઈ રહ્યો છે. રાજ્યની તમામ પંચાયતોમાં, રાજ્ય સરકાર ગરીબ કન્યાઓના લગ્ન માટે કન્યા લગ્ન મંડપ બનાવશે. આ સાથે, મહિલા હાટ અને પિંક શૌચાલય જેવી યોજનાઓ મહિલાઓની ઓળખ અને સલામતી માટે મહત્વપૂર્ણ સાબિત થશે. બિહારના મોટા શહેરોમાં મહિલા વાહન સંચાલન તાલીમ કેન્દ્રો સ્થાપિત કરવામાં આવશે, જેમાં ટ્રેનર પણ મહિલાઓ હશે.
બિહારના નાણાપ્રધાન સમ્રાટ ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે, ૨૦૦૪-૦૫માં બજેટ ૨૩ હજાર ૮૮ કરોડ રૂપિયા હતું, આ વર્ષે તે વધીને ૨૦૨૫માં ૩ લાખ ૧૭ હજાર કરોડ રૂપિયા થઈ ગયું છે. સમ્રાટ ચૌધરીએ જણાવ્યું હતું કે, રાજ્યના ૨૧ કૃષિ પેદાશોના માર્કેટ યાર્ડના આધુનિકીકરણ અને યોગ્ય વિકાસ માટે કુલ રૂ. ૧.૨૮૯ કરોડના ખર્ચે આ યોજના અમલમાં મુકવામાં આવી રહી છે. અન્ય તમામ બજાર સમિતિના પરિસર કાર્યરત કરવામાં આવશે.