Entertainment

જલંધરમાં રોડ એક્સિડેન્ટમાં હની સિંહના ભત્રીજા વિદિત ઓલાક અને મિત્ર આરવ તલવારનું મોત

હની સિંહે ઈન્સ્ટાગ્રામ પર ભત્રીજાના અકસ્માતમાં મૃત્યુ પર ઈમોશનલ મેસેજ શેર કરી દુ:ખ વ્યક્ત કર્યું

બોલીવુડના જાણીતા સિંગર યો યો હની સિંહના પરિવાર માટે દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. પંજાબના જલંધરમાં ૧ નવેમ્બર, રવિવારની વહેલી સવારે થયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં હની સિંહના ભત્રીજા વિદિત ઓલાકનું મોત થયું છે. આ અકસ્માતમાં વિદિતના મિત્ર આરવ તલવારનું પણ મૃત્યુ થયું છે. બંને મિત્રો જન્મદિવસની પાર્ટીમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા. ભત્રીજાના નિધનથી હની સિંહ સહિત સમગ્ર પરિવાર શોકનો માહોલ છે.

ભત્રીજાના નિધનના સમાચારથી દુ:ખી થયેલા હની સિંહે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ભાવુક સંદેશ શેર કર્યો હતો. તેને વિદિતના પિતા અને સ્પીડ રેકોર્ડ્સ મ્યુઝિક કંપનીના માલિક દિનેશ ઓલાકને ટેગ કરીને લખ્યું હતું કે, ‘આ મારા માટે ખૂબ જ ખરાબ સમય છે. પોતાના ભત્રીજાને ગુમાવવો દિલ તોડી નાખે છે. ભોલેનાથની કૃપા બની રહે.‘ આ સિવાય હની સિંહે પોતાની ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ તસવીર પણ હટાવી દીધી હતી.

આ અકસ્માત અંગે મળતી માહિતી મુજબ, જલંધરના પોલીસ લાઈન વિસ્તાર નજીક આવેલા ફ્લાયઓવર પર વહેલી સવારે લગભગ ૩ વાગ્યે આ અકસ્માત થયો હતો. ફોક્સવેગન કારમાં ૫ યુવકો સવાર હતા. આ દરમિયાન કાર રસ્તા પર કચરો એકત્ર કરવા માટે ઊભી રાખવામાં આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ટ્રેક્ટર-ટ્રોલી સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જાેરદાર હતી કે કારમાં સવાર વિદિત ઓલાક અને આરવ તલવારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

બારાદરી પોલીસ સ્ટેશનના એસએચઓ સાહિલ ચૌધરીના જણાવ્યા અનુસાર, ફ્લાયઓવર પર મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. કચરો ઉપાડવા માટે ટ્રેક્ટર-ટ્રોલી રસ્તા પર ઊભી રાખવામાં આવી હતી. આ દરમિયાન પાછળથી આવતી કાર તેની સાથે અથડાઈ હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, કારમાં સવાર અન્ય ૩ યુવકો અગાઉ જ ઘરે પહોંચી ગયા હતા. બંને મૃતકોના પરિવારજનોએ કાયદેસરની કાર્યવાહી કરાવવાની ના પાડ્યા બાદ પોલીસે મૃતદેહ પરિવારને સોંપ્યા હતા. આ ઘટનાથી પંજાબી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં પણ શોકની લાગણી ફેલાઈ છે.