Gujarat

જામનગરમાં બિરસા મુંડાની જન્મજયંતી ઉજવાશે

ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે જામનગર જિલ્લામાં 15 નવેમ્બરે જનજાતીય ગૌરવ દિવસ ઉજવાશે. જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જામજોધપુરના પટેલ સમાજ ખાતે અને શહેર કક્ષાનો કાર્યક્રમ ટાઉનહોલમાં યોજાશે. જામનગર જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાએ આયોજન અંગે પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે જણાવ્યું કે બંને કાર્યક્રમ સવારે 10:30 વાગ્યે શરૂ થશે. આ દિવસે લાલપુર ચોકડી પાસે કુબેરનગર-3 સોસાયટી વિસ્તારમાં રૂ. 6.33 કરોડના ખર્ચે સરકારી આદિજાતિ કુમાર છાત્રાલયનું ખાતમુહૂર્ત કરાશે.

દેશમાં દર વર્ષે 15 નવેમ્બરે જનજાતીય ગૌરવ દિવસ ઉજવાય છે. આદિવાસી સમાજનો ઇતિહાસ અને રાષ્ટ્રનિર્માણમાં તેમનું યોગદાન લોકો સુધી પહોંચાડવું તેનો હેતુ છે. રાજ્ય સરકાર 11થી 18 નવેમ્બર, 2026 દરમિયાન જનજાતીય ગૌરવ સપ્તાહ ઉજવશે. આ દરમિયાન આદિજાતિ વિસ્તારોમાં જનકલ્યાણ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.

જામનગર જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં અનુસૂચિત આદિજાતિના 58,131 લાભાર્થીઓને વિવિધ યોજનાઓ હેઠળ રૂ. 3,579.66 લાખના લાભ અપાયા છે. 15 નવેમ્બરના કાર્યક્રમોમાં પણ લાભાર્થીઓને યોજનાના લાભ અપાશે.

કલેક્ટરે કહ્યું કે સપ્તાહનો હેતુ આદિવાસી સમાજનો ઇતિહાસ, સંસ્કૃતિ, સ્વાતંત્ર્ય સંગ્રામમાં યોગદાન અને જનજાતીય નાયકોના બલિદાન નવી પેઢી સુધી પહોંચાડવાનો છે. સાથે જ સમાજના અધિકારોનું રક્ષણ, જાગૃતિ અને વિકાસને વેગ આપવાનો છે.