Gujarat

ફ્રાન્સ અને લાતવિયામાં નોકરી અપાવવાના બહાને ઠગાઈ

વિદેશમાં સારી નોકરી અને કમાણીના સપના સાથે કન્સલ્ટન્સીનો સંપર્ક કરનાર આણંદના 23 વર્ષીય યુવક સાથે રૂ.9.50 લાખની છેતરપિંડી કરવામા આવી છે. ફ્રાન્સમાં વર્ક વિઝા અપાવવાના વાયદાથી શરૂ થયેલી વાતચીત બાદ યુવકને લાતવિયા મોકલવામાં આવ્યો હતો. જોકે ત્યાં પહોંચ્યા બાદ પણ નોકરી અને TRC કાર્ડનું કામ પૂર્ણ ન થતાં આખરે યુવકને ખાલી હાથે ભારત પરત ફરવાની ફરજ પડી હતી. રૂપિયા પરત નહીં મળતા તથા વિઝા પણ નહીં કાઢી આપતા યુવકે એજન્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

આણંદ જિલ્લાના નિસરાયા ગામના યુવકે નોધાવેલી ફરિયાદ મુજબ વર્ષ 2024માં સયાજીગંજ મનુભાઈ ટાવરમાં આવેલી વાયબ્રન્ટ ઓવરસીઝનો સંપર્ક કર્યો હતો. કન્સલ્ટન્સીના સંચાલક પંકજ સંઘવીએ ફ્રાન્સમાં નોકરી સાથે રહેવા-જમવાની સુવિધા અને વર્ક પરમિટ વિઝા અપાવવાનું કહી રૂ.6.50 લાખનો ખર્ચ થશે તેમ જણાવ્યું હતું. યુવકે શરૂઆતમાં રૂ.50 હજાર ચૂકવ્યા હતા. જોકે ત્રણ-ચાર મહિના બાદ પણ વિઝાનું કામ આગળ ન વધતાં તેણે રકમ પરત માંગી હતી.

આ પછી પંકજ સંઘવીએ ફ્રાન્સના બદલે લાતવિયામાં નોકરી અપાવવાની વાત કરી હતી. બિઝનેસ વિઝા પર લાતવિયા પહોંચ્યા બાદ ચાર-પાંચ દિવસમાં વર્ક પરમિટ અને TRC કાર્ડ મળી જશે તેવી ખાતરી આપવામાં આવી હતી. યુવકે અલગ-અલગ તારીખે પંકજ સંઘવી તથા તેમના જણાવ્યા મુજબ મનીષ ઠક્કરના ખાતામાં રૂ.9.50 લાખ ચૂકવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. 9 ફેબ્રુઆરી 2026ના રોજ યુવક લાતવિયા પહોંચ્યો ત્યારે એરપોર્ટ પર તેને લેવા કોઈ આવ્યું નહોતું. ત્યારબાદ હોટલમાં રોકાણ કરાવી TRC કાર્ડ માટે 28 દિવસ સુધી વાયદા કરવામાં આવ્યા હતા.