જેતપુર તાલુકાના કાગવડ અને પીઠડીયા વચ્ચે રેલવે ટ્રેક પરથી 20 વર્ષીય પરિણીતા દક્ષાબેન શીંગારનો મૃતદેહ મળ્યો હતો. મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ જૂનાગઢ સોબારી રેલવે ફાટક પાસે રહી મજૂરીકામ કરતા સમીરભાઈ સુરતાનભાઈ ભુરીયાએ પોતાના જમાઈ દિપક પ્રતાપ શીંગાર વિરુદ્ધ 20 વર્ષીય પુત્રી દક્ષાબેનની હત્યાની ફરિયાદ નોંધાવી છે. વીરપુર પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલ્યો છે.

પુત્રી દક્ષાબેનના લગ્ન છ મહિના પહેલા દિપક સાથે થયા હતા, જે પતિ સાથે કાગવડ ગામની સીમમાં ખેતીકામ કરતી હતી. થોડા મહિના પહેલા રક્ષાબંધન વખતે જ્યારે પિયર ગઈ હતી, ત્યારે તેણે પિતાને જણાવ્યું હતું કે તેનો પતિ દારૂ પીને ચારિત્ર્ય પર ખોટી શંકા કરી મારઝૂડ કરે છે. જોકે, બાદમાં સમાધાન થતા તે પરત સાસરે ગઈ હતી.
ગત તા.19 ઓક્ટોબરના સવારે વીરપુર પોલીસ સ્ટેશનથી પિતાને ફોન આવ્યો કે તેમની પુત્રીનું મૃત્યુ થયું છે અને લાશનું પીએમ કરવા રાજકોટ લઈ જવાઈ છે. જેથી પરિવારજનો સાથે વીરપુર પહોંચ્યા હતા ત્યાં પોલીસ સ્ટેશનમાં હાજર તેમના વેવાઈ પ્રતાપભાઈ શીંગારની પૂછપરછ કરતા સત્ય બહાર આવ્યું હતું.

