Gujarat

અકસ્માત બાદ ચાલક કાર સ્થળે મૂકી ફરાર

ગાંધીનગર શહેરના ગ-5 સર્કલથી ગ-6 સર્કલ તરફ જતા રોડ પર સેફ્રોની ગર્લ્સ હોસ્ટેલની નજીક પૂરપાટ ઝડપે કારચાલક પોતાની કાર હંકારીને રોડ પર સાવરણી વેચતાં શ્રમિકને અડફેટે લઈ નાસી છૂટ્યો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત શ્રમિકનું સિવિલમાં મોત નીપજતા સેકટર 21 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મૃતક ધંધા અર્થે ગાંધીનગર આવ્યા હતાં મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના અને હાલ ગાંધીનગર સેક્ટર-24 ‘ગ’ રોડ પર કાચા છાપરા બાંધીને પરિવાર સાથે રહેતા મનીષ રામદેવભાઈ પરમારે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તેના પિતા રામદેવ માલદેભાઈ પરમાર (ઉં.વ. 40) દિવાળીના તહેવાર નિમિત્તે સાવરણી વેચવાના ધંધા અર્થે ગાંધીનગર આવ્યા હતા.

સેફ્રોની ગર્લ્સ હોસ્ટેલ નજીક અકસ્માત ગઈકાલે 13 નવેમ્બરના રોજ સાંજના અરસામાં ગાંધીનગરના ગ-5 સર્કલથી ગ-6 સર્કલ તરફ જતા રોડ પર સેફ્રોની ગર્લ્સ હોસ્ટેલની નજીક તેઓ રોડ ઉપર ઉભેલા હતા. તે દરમિયાન GJ-18-BL-0951 નંબરની સફેદ કલરની ફોર-વ્હીલર કારના ચાલકે પોતાની ગાડી પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારીને રોડ પર ઉભેલા રામદેવ પરમારને જોરદાર ટક્કર મારી હતી.