અમદાવાદના ઓઢવ નારીગૃહ સંરક્ષણ ગૃહમાં એક માનસિક અસ્થિર મહિલાએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. ગઇકાલે(3 જુલાઈ) રાત્રિના સમયે બધી મહિલાઓ નીચે હતી ત્યારે દવા નહીં પીવાનું કહી ઉપરના માળે જઈને આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા ઓઢવ પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી. પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
દવા નથી પીવી એમ કહી ઉપરના માળે જતી રહી મળતી માહિતી મુજબ શહેરના ઓઢવ વિસ્તારમાં નારી સંરક્ષણ ગૃહ આવેલું છે. નારી સંરક્ષણ ગૃહમાં માનસિક અસ્થિર મહિલાઓને પણ રાખવામાં આવે છે.
ગઈકાલે રાત્રે 9 વાગ્યાની આસપાસ તમામ મહિલાઓ નારી સંરક્ષણ ગૃહમાં હાજર હતી અને દવા લેવાનો સમય થયો હતો ત્યારે નેહાબેન નામની મહિલા જેને ગઈકાલે જ હોસ્પિટલથી લાવવામાં આવી હતી તેને પણ દવા લેવાનું કીધું હતું, પરંતુ પોતે દવા પીવી નથી એમ કહી દીધું હતું. બધી મહિલાઓ નીચે હતી અને પોતે દવા નથી પીવું એમ કહી ઉપરના માળે જતી રહી હતી.
મહિલા માનસિક રીતે અસ્થિર હતી ઉપરના માળે જઈને નેહાબેને આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ ઓઢવ પોલીસને કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી. પોલીસના જણાવ્યા મુજબ મહિલા માનસિક રીતે અસ્થિર હતી અને તેમની દવા ચાલી રહી હતી. રાત્રે દવા નહીં પીવાનું કહી અને ઉપર જઈને તેણે આપઘાત કરી લીધો છે. અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

