Gujarat

નવરાત્રિમાં ભેળસેળ રોકવા ફૂડ સેફ્ટી વાન દોડશે

નવરાત્રિ દરમિયાન નાગરિકોને શુદ્ધ, સાત્વિક અને ભેળસેળમુક્ત ખોરાક મળી રહે તે માટે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી અંગેની કામગીરી વધુ સઘન બનાવવામાં આવી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ગાંધીનગર ખાતે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.

તહેવારોમાં મીઠાઈ, ફરસાણ, દૂધ અને ઘી જેવા ખાદ્યપદાર્થોમાં ભેળસેળ રોકવા રાજ્યભરમાં મોબાઈલ ફૂડ ટેસ્ટિંગ વાન દોડાવવાનો અને દંડનાત્મક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

1407 હોસ્ટેલ-કેન્ટીનની તપાસ કરાઈ ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્ર દ્વારા 14થી 28 સપ્ટેમ્બર 2026 દરમિયાન રાજ્યવ્યાપી હોસ્ટેલ-કેન્ટીન સ્પેશિયલ ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. આ અભિયાન દરમિયાન સમગ્ર રાજ્યમાંથી કુલ 1407 હોસ્ટેલ અને કેન્ટીનની સઘન તપાસ કરાઈ હતી, જેમાં 259 સરકારી, 303 અર્ધસરકારી અને 845 ખાનગી એકમોનો સમાવેશ થાય છે.

328 એકમોને સુધારા નોટિસ અપાઈ તપાસ દરમિયાન સ્વચ્છતા અને ગુણવત્તામાં કચાસ જણાતાં 328 હોસ્ટેલ-કેન્ટીનને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત 459 એકમોમાંથી ખાદ્યપદાર્થોના સેમ્પલ લઈને લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે. વહીવટી ખામીઓ અને અનિયમિતતાઓને કારણે 16 એકમો સ્વૈચ્છિક રીતે બંધ થયા હતા અને 5 એકમોના લાયસન્સ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.