વડોદરા શહેરમાં સાયબર ઠગોએ ઝાયડેક્સ કંપનીના ડિરેક્ટરના નામ અને વોટ્સએપ પ્રોફાઇલ ફોટાનો દુરુપયોગ કરીને ઝાયડેક્સ કંપનીના જનરલ મેનેજરને વિશ્વાસમાં લઈને સાયબર ગઠિયાઓએ 1.03 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી છે.
શહેરના ગોત્રી-સેવાસી રોડ પર આવેલી ઝાયડેક્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના જનરલ મેનેજરને અજાણ્યા નંબર પરથી ઝાયડેક્સ કંપનીના ડિરેક્ટર ડૉ. અજય રાનકાના નામે મેસેજ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ અલગ-અલગ બેંક ખાતાંની વિગતો મોકલી કંપનીના ખાતામાંથી ચાર ટ્રાન્ઝેક્શન મારફતે 1,03,52,412 રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ મામલે જનરલ મેનેજર સુભાષ ગુપ્તાએ વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
સુભાષ ગુપ્તા છેલ્લા ચાર વર્ષથી ઝાયડેક્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડમાં જનરલ મેનેજર તરીકે ફરજ બજાવે છે. કંપનીમાં બેંકિંગ વ્યવહારો માટે નેટ બેંકિંગની સુવિધા છે. કંપનીના એસોસિયેટ મેનેજર મીનેષ દેસાઈ દ્વારા પેમેન્ટની મંજૂરી માટે ડિરેક્ટરોને દરખાસ્ત મોકલવામાં આવે છે અને ડૉ. અજય રાનકા, પૂજા રાનકા અથવા મૌલિક રાનકામાંથી કોઈ એક ડિરેક્ટરની મંજૂરી મળ્યા બાદ જ પેમેન્ટ કરવામાં આવે છે.
ગત 9 ઓક્ટોબરે બપોરે આશરે 1:30 વાગ્યે સુભાષ ગુપ્તા કંપનીની ઓફિસમાં હાજર હતા ત્યારે તેમના વોટ્સએપ નંબર પરથી મેસેજ આવ્યો હતો. મેસેજ કરનારના વોટ્સએપ પ્રોફાઇલમાં કંપનીના ડિરેક્ટર ડૉ. અજય રાનકાનું નામ અને ફોટો હોવાથી ગુપ્તાએ તેને ડિરેક્ટરનો જ મેસેજ માની જવાબ આપ્યો હતો. ત્યારબાદ સામેવાળાએ પોતે મીટિંગમાં હોવાનું જણાવી કોઈએ ફોન ન કરવો અને મીટિંગ બાદ પોતે ફોન કરશે તેમ કહ્યું હતું.

