સુરત ઇકો સેલ ક્રાઇમ બ્રાન્ચે જમીન પચાવી પાડવાના ગંભીર અને જૂના ગુનાહિત ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. ચોર્યાસી તાલુકાના મોજે ખરવાસા ગામમાં વડીલોપાર્જિત સંયુક્ત માલિકીની બ્લોક નંબર 178 વાસુદેવવાળું, બ્લોક નંબર 168 ડોસીવાળું અને બ્લોક નંબર 144 ગોરાટ કાબો વાળી અંદાજે 21 વીંઘા કિંમતી જમીનમાંથી સગી બહેનોનો વારસાઈ હક્ક ડુબાડી દેવાયો હતો. ભરૂચના અંકલેશ્વર તાલુકાના ઊંટિયાદરા ગામના ગીરીશકુમાર નરેન્દ્રસિંહ સોલંકીએ પોતાની માતા ધનુબેન અને માસી ભાવનાબેન સાથે થયેલી છેતરપિંડી અંગે સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
સંમતિ વિના ખોટી સહી કરી દેવામાં આવી આ ગુનાહિત કાવતરાની શરૂઆત વર્ષ 1996માં થઈ હતી. જમીનના અન્ય સહવારસદારોએ અંદરોઅંદર મળીને એક ઓગસ્ટ, 1996ના રોજ જમીનની ખોટી અને ગેરકાયદે વહેંચણી દર્શાવતો એક બનાવટી કરાર ઊભો કર્યો હતો. આ વહેંચણી કરારમાં ફરિયાદીની માતા ધનુબેન તેમજ માસી ભાવનાબેનની સંમતિ વિના તેમની ખોટી સહી કરી દેવામાં આવી હતી. આ દસ્તાવેજ બનાવટી હોવાનું જાણવા છતાં જમુભાઈ આહીર, બાબુભાઈ નાયકા અને દૌલતસિંહ ગોહિલ નામના સાક્ષીઓએ તેમાં સહી કરી ગુનાહિત કૃત્યને મદદ પહોંચાડી હતી.
તલાટી સાથે સાંઠગાંઠ, ખોટું પેઢીનામું-તુમારો બનાવ્યો ખોટા વહેંચણી કરારનો સાચા તરીકે ઉપયોગ કરી જમીનમાં પોતાના નામો ચઢાવવા માટે તારીખ 23 જુલાઈ, 1997ના રોજ ખરવાસાના તલાટી કમ મંત્રીને ખોટી સહીવાળી અરજી કરવામાં આવી હતી. તલાટી કમ મંત્રીએ પણ સહઆરોપીઓ સાથે મિલીભગત કરી ખોટું પેઢીનામું, બોગસ પંચકયાસ અને જવાબોના ખોટા તુમારો તૈયાર કર્યા હતા. બંને મહિલાઓની કોઈ પણ પ્રકારની સંમતિ કે સહી ન હોવા છતાં તેમની બનાવટી સહીઓ કરાવી તે કાગળોના આધારે મહેસૂલી રેકોર્ડ પર ખોટી રીતે નોંધ નંબર 1862 પાડી દેવામાં આવી હતી અને કાયદેસરની વારસદાર બહેનોનો હક્ક કાગળ પર ડુબાડી દેવાયો હતો.

