Gujarat

નસવાડી પોલીસે લૂંટ-હત્યા કેસના આરોપીઓ પાસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું

છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ગઢ બોરિયાદ ખાતે ચાર દિવસ પહેલા થયેલા લૂંટ અને હત્યા કેસના આરોપીઓ પાસે પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ ઘટનામાં એક વૃદ્ધ મહિલાની હત્યા કરી તેમના પગ કાપી ચાંદીના કડા લૂંટી લેવાયા હતા.

ગત 29 એપ્રિલના રોજ ગઢ બોરિયાદમાં લૂંટના ઇરાદે એક વૃદ્ધ મહિલા પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ મહિલાના બંને પગ કાપીને ચાંદીના કડા લૂંટી લીધા હતા અને ફરાર થઈ ગયા હતા.

છોટા ઉદેપુર જિલ્લા પોલીસે ગણતરીના દિવસોમાં આ કેસના બે આરોપીઓ રણજીત ભીલ ઉર્ફે રંગો અને બિપિન ભીલ ઉર્ફે વિકોને ઝડપી પાડ્યા હતા. પૂછપરછ દરમિયાન બંને આરોપીઓએ હત્યા કર્યા બાદ પગ કાપીને કડા લઈ ગયા હોવાની કબૂલાત કરી હતી.

કબૂલાત બાદ નસવાડી પોલીસ આજે આરોપીઓને ગઢ બોરિયાદ લઈ ગઈ હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આરોપીઓ પાસે સમગ્ર ઘટનાનું પુનરાવર્તન કરાવવામાં આવ્યું હતું. આ દરમિયાન બંને આરોપીઓને જોવા માટે મોટી સંખ્યામાં લોકટોળા ઉમટી પડ્યા હતા.