Gujarat

સોમનાથ કોરિડોર: ડિમોલિશન શરૂ, 250 મિલકતો સ્વૈચ્છિક સુપ્રત

ગીર સોમનાથ જિલ્લામાં આવેલા વિશ્વવિખ્યાત સોમનાથ તીર્થસ્થળ ખાતે કોરિડોર વિકાસ પ્રોજેક્ટને વેગ મળ્યો છે. મંદિર આસપાસના વિસ્તારોમાં તંત્ર દ્વારા ડિમોલિશન કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

સોમનાથ મંદિર પરિસર નજીક પઠાણવાડા, ભોંયવાડા અને જુના સોમનાથ સહિતના વિસ્તારોમાં જેસીબી વડે મકાનો પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને.

જિલ્લા પોલીસ વડા અને ડેપ્યુટી કલેક્ટર સહિતના વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર હાજર રહીને કામગીરીનું સતત નિરીક્ષણ કરી રહ્યા છે. તંત્ર દ્વારા સમગ્ર કામગીરી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.

આ પ્રક્રિયામાં એક મહત્વપૂર્ણ પાસું એ છે કે, લગભગ 250થી વધુ મિલકતધારકોએ સ્વૈચ્છિક રીતે પોતાની મિલકતો સરકારને સુપ્રત કરી છે. આ સહયોગને કારણે વિકાસકાર્ય સરળ બન્યું છે.

સોમનાથ કોરિડોર પ્રોજેક્ટનો મુખ્ય હેતુ મંદિર પરિસરનો સર્વાંગી વિકાસ કરવાનો છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ યાત્રાળુઓ માટે આધુનિક સુવિધાઓ, વિશાળ પ્રવેશ માર્ગ, સુવ્યવસ્થિત પાર્કિંગ અને સુદ્રઢ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ થશે.